|
બોચાસણમાં હજારો હરિભક્તોએ ગુરુપૂર્ણિમાના ઉત્સવ પર પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને ગુરુઅર્ઘ્ય અર્પ્યું
સ્કંદપુરાણના પ્રસિદ્ધ શ્લોક- 'गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः...' માં ગુરુને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સમાન આદર આપવામાં આવ્યો છે. ગુરુને સાક્ષાત્ પરમેશ્વર સમાન કહ્યા છે. ગુરુમાં ભગવાનનાં દર્શન કરવાની આ વિભાવના દ્વારા ભારતવર્ષમાં યુગોથી ગુરુનો મહિમા ગાવાની પરંપરા રહી છે. તેમાં પણ ગુરુ•ણનું સ્મરણ કરવાનો પવિત્ર દિન એટલે ગુરુપૂર્ણિમા.
તા. ૧૧-૭-૦૬, મંગળવારના રોજ તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દબદબાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના પ્રાણપ્યારા ગુરુવર્ય સ્વામીશ્રીનાં ચરણોમાં હૃદયાંજલિ અર્પણ કરવા માટે ભક્ત મહેરામણ ઊમટ્યો હતો. બોચાસણ વિદ્યામંદિરના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલા સભામંડપમાં હરિભક્તો, ભાવિકો, મુમુક્ષુઓ સમાતા નહોતા. હજારો હરિભક્તો મંડપની બહાર ઊભા હતા તો કેટલાક રોડ પર. મંદિર પરિસર પણ ભક્તોથી ઊભરાઈ રહ્યું હતું. ગુરુભક્તિ અદા કરવા માટે કેટલાક હરિભક્તો દૂર દૂરથી પદયાત્રા અને પ્રભાતફેરી કરીને આવ્યા હતા.
નિત્ય ગુરુભક્તિમય રહેતા સ્વામીશ્રી પણ આજે સવિશેષ ગુરુસ્મૃતિમાં ગરકાવ હતા. સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કર્યાં બાદ શાસ્ત્રીજી મહારાજના ઓરડે પધાર્યા ત્યારે સંતો સાથે વાતો કરવા સ્વામીશ્રી ગુરુહરિની દિવ્ય સ્મૃતિમાં સરી પડ્યા હતા.
સભામંડપમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવને અનુરૂપ સુંદર શણગારો સાથે મંચ શોભતો હતો. વર્ષા•તુના આગમનની જાણ કરતી લીલોતરી અને રંગબેરંગી પુષ્પોની મધ્યમાં શ્રીજીમહારાજ ગુણાતીતાનંદ સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મૂર્તિ રાખવામાં આવી હતી. પ્રાતઃપૂજામાં સંતોએ ગુરુમહિમાનાં કીર્તનો અને ભદ્રેશ સ્વામીએ શાસ્ત્ર અને વચનામૃતના આધારે રચેલા 'બ્રહ્મમનનમ્'ના શ્લોકોનું ગાન કર્યું.
આ ઉત્સવમાં પધારેલા મંત્રીશ્રી સી.ડી. પટેલ તથા ધારાસભ્ય દિલુભા ચૂડાસમાએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ અડાસ સત્સંગ મંડળે 'આનંદનો અવસરિયો...' ગીતના આધારે નૃત્ય કર્યું હતું.
ઉત્સવ સભામાં સ્વામીશ્રીનાં આગમન પૂર્વે વડીલ સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. સંનિષ્ઠ સત્સંગી ગાયક જયદીપ સ્વાદિયાએ 'ગુરુ-અર્ઘ્ય' ગીતરૂપે રજૂ કર્યું હતું.
ઉત્સવ સભામાં પધારેલા રાજ્યના કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પૂર્વ મંત્રી શક્તિસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સ્વામીશ્રીએ કરેલાં સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોની સરાહના કરી હતી. ધારાસભ્યો- રાજેન્દ્રસિંહ પરમાર, અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય વિષ્ણુભાઈ, અંબાલાલ રોહિત તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડા, આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી ઝાલાવાડિયા તથા ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી વરસાણીએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
ગુરુપૂર્ણિમા પર્વના પુણ્ય પ્રસંગે દેશ અને પરદેશથી એકત્ર થયેલા ૪૫,૦૦૦થી વધારે હરિભક્તો ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરવા ઉત્સુક હતા. તમામ સંતો અને ભક્તોએ વેદોક્તવિધિપૂર્વક પુષ્પાંજલિ ઠાકોરજી અને સ્વામીશ્રીનાં ચરણોમાં સમર્પિત કરી અને આ પ્રસંગને અનુરૂપ 'ગુરુ•ણ અદા કેમ કરીએ...' એ ભક્તિગીતના આધારે અડાસનાં બાળ-યુવકોએ નૃત્ય રજૂ કર્યું હતું.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું: 'વેદકાળથી ગુરુપૂનમનો મહિમા છે. ઉત્સવોથી આપણા જીવમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર વિશેષ દૃઢ થાય છે. તેમાંથી આપણને પ્રેરણા મળે છેõ. અહીં ભગવાન અને સંતના આશીર્વાદ મળે છે. તેમજ આધ્યાત્મિક મૂલ્યો એટલે કે આચાર-વિચાર, નીતિ, પ્રામાણિકતા, ચોરી ન કરવી, કોઈને દુઃખ ન આપીએ, દારૂ-તમાકુ વ્યસનો દૂર થાય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્યની દૃઢતા થાય છે.
ભગવાનને પામેલા આધ્યાત્મિક ગુરુઓ દ્વારા આપણને આદેશ અને પ્રેરણાઓ મળે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, 'પાંદડે પાંદડે સત્સંગ કરવો છે.' શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 'અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન દરેક મનુષ્ય, જીવપ્રાણીમાત્રને થાય,' જોગી મહારાજ તો એટલા ઉદાર હતા કે પશુપંખીનું પણ કલ્યાણથાય, એવી પ્રાર્થના કરતા. આવી ઉદાર ભાવના એવા આધ્યાત્મિક પુરુષો પાસે છે. તુલસીદાસે કહ્યું, 'સંત બડા પરમારથી જાકા મોટા મન, તુલસી સબકું દેત હૈõ રામ સરીખા ધન.'
સંતને એક જ સ્વાર્થ છે કે હું જેમ ભગવાન ભજીને સુખિયો છુ _ એમ બધા થાય. ગુરુ આપણને દેહ અને આત્મા બે જુદી વસ્તુ છે, તેમ શીખવે છે. દેહ રહેવાનો નથી. આત્મા અમર છે, સુખરૂપ, સત્તારૂપ છે. એ આત્માને ભગવાનના ધામને પમાડવાની વાત ગુરુ કહે છે. ઉપનિષદ્ પણ કહે છે, 'ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત...' અટલે ઊઠોõ, ઊઠ્યા પછી જાગો, આત્મકલ્યાણ માટે જાગ્રત થાવ. ભગવાન અને સંત આ લોક અને પરલોકની બંને રીત શિખવાડે છે. તો આજના ગુરુપૂનમના દિવસે આપણે બધા જીવનમાં ભગવાન, સત્સંગ અને નીતિનિયમ કેન્દ્રમાં રાખવાની પ્રેરણા મેળવીએ.'
ગુરુપૂર્ણિમાના પુણ્યપ્રસંગે સ્વામીશ્રીએ આશીર્વચન આપી સૌને કૃતાર્થ કર્યા.
ત્યાર બાદ સ્વામીશ્રીએ મંચ પરથી જ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાને અનુલક્ષીને આજ્ઞા કરતાં કહ્યું, 'વૃક્ષો પ્રાણવાયુ-આૅક્સિજન આપે છે. સૌ જાણીએ છીએ. ભણેલા છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, તોપણ વૃક્ષો કાપી નાખીએ છીએ. આવશ્યક હોય ત્યાં કાપીએ, પણ સામે એટલાં વૃક્ષો ચોક્કસ વાવવાં. વૃક્ષો હશે તો આપણું જીવન ટકશે, નહીં તો આપણું જીવન ખલાસ થઈજશે. આૅક્સિજન નહીં હોય તો આપણે જીવી નથી શકવાના. ભગવાન પૈસો લીધા વિના આૅક્સિજન આપે છે. કેટલો બધો ઉપકાર છે! ભગવાનના ઘણા ઉપકાર છે તો દર વરસે બે-પાંચ પણ વૃક્ષો વાવવાં. પછી એનો ઉછેર થાય એ પ્રમાણે ખ્યાલ રાખવો. આ પરોપકારનું કાર્ય કરીએ.' સ્વામીશ્રીએ ઉપસ્થિત લોકોને પોતપોતાના ઘર, ગામમાં કે ગામના ઉદ્યાનમાં કે જ્યાં અનુકૂળ હોય, ત્યાં એક વૃક્ષ વાવવાનો નિયમ લેવા માટે હાર્દિક અપીલ કરી હતી. આ દિને રક્તદાન યજ્ઞ અને રોગનિદાન યજ્ઞનું પણ આયોજન અહીં થયું હતું.
|
|