|
અમદાવાદમાં અભૂતપૂર્વ યુવાસભા
જ્યારે ૫૦૦૦ યુવાનો અર્વાચીન •ષિ પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં સંસ્કારદીક્ષા લે છે...
યુવાન. આ શબ્દ સાંભળતા જ ફેશન, બાઈક, કોલેજ, રખડપટ્ટી, દારૂ - સિગારેટનાં વ્યસનો, મોજમસ્તી, વગેરે જેવાં દૃશ્યો વિના પ્રયાસે આંખ સામે તરવરવા માંડે છે. જેમને તેજ ગતિ ધરાવતા પણ દિશાવિહીન ગણવામાં આવે છે,
જેઓ સંસ્કૃતિ અને વારસાને ભૂલી જઈને મોજમજામાં જ મંડ્યા છે, જેઓ દેશના વિકાસ અને પતન માટે કારણભૂત છે,
બુદ્ધિ અને શક્તિનો સ્રોત છે, દેશનું ભાવિ છે, એ યુવાનોની યુવાઅવસ્થાને કેટલાય પ્રશ્નોનું ઉદ્ગમસ્થાન ગણવામાં આવે છે.
આ યુવાપેઢીને જો યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તો ચોક્કસ સુખ-સમૃદ્ધિ આવે છે,
પણ જો માર્ગદર્શનનો અભાવ હોય તો વિનાશ સિવાય કાંઈ જ કલ્પી શકાતું નથી.
એક તરફ યુવાનો અંગે નિરાશાજનક ચિત્ર જોવા મળે છે. તો બીજી તરફ એક નવો આશાનો સૂરજ ઊગ્યો છે,
જે તેમને સમસ્યાઓના અંધકારમાંથી મુક્ત કરીને યોગ્ય ગતિ અને સચોટ દિશા બતાવે છે.
એ આશાનો સૂરજ એટલે પ્રમુખસ્વામી મહારાજ. જેમનાં નિઃસ્વાર્થ પ્રેમ, કાળજી અને દૂરંદેશિતાને કારણે દેશપરદેશમાં હજારો યુવાનો આદર્શ યુવાનીનું ઉદાહરણ બની રહ્યા છે. તેનું એક વિશેષ ઉદાહરણ તાજેતરમાં અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ૫,૦૦૦ યુવાનોની હાજરીમાં યોજાયેલ યુવાદિનમાં જોવા મળ્યું...
તા. ૨૪-૬-૦૬ના રોજ યોજાયેલા બી.એ.પી.એસ. યુવા સત્સંગમંડળ, અમદાવાદના આ યુવાદિન પ્રસંગે હજારોની સંખ્યામાં શ્વેત વસ્ત્રધારી યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં યુવકોએ વાદ્ય સહિત કીર્તનભક્તિ રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સવારે ૯-૦૦ વાગ્યાથી આરંભાયેલી યુવાસભામાં પ્રારંભે ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામી સાથે યુવાનોએ પ્રશ્નોત્તરી દ્વારા જીવનોપયોગી અને પ્રેરણારૂપ માર્ગદર્શન મેળવ્યાં હતાં. સ્વામીશ્રીના આગમન સાથે જ મંચ પર શ્વેત અને વાદળી વસ્ત્રોમાં પંખીઓના વેશમાં સજ્જ નૃત્યકાર યુવકોએ મધુર સંગીત સાથે 'તમારા હૃદયઆકાશમાં પંખી બની ઊડ્યા કરું' એ પંક્તિના તાલે નૃત્ય રજૂ કર્યું હતું. પશ્ચાદ્ભૂમાં સ્વામીશ્રીના વિશાળ - ઉદાર હૃદય વચ્ચે મુક્ત પંખ પ્રસરાવીને ઊડી રહેલા યુવાપંખીનું પ્રતીક આ યુવાસભાનો મધ્યવર્તી વિચાર હતો.
પોતાના પ્રાણપ્યારા ગુરુહરિના હૃદય-આકાશમાં ઊડવાની ઝંખના સાથે વિશિષ્ટ જીવનશૈલી અપનાવેલા યુવકોની દાસ્તાન મંચ પર બિરાજમાન સ્વામીશ્રી સમક્ષ રજૂ થઈ. જેમાં કેટલાક યુવકો દસ વર્ષથી તો કેટલાક પાંચ વર્ષથી ટી. વી. ન જોવાનો નિયમ પાળે છે, તો કોઈ દસ વર્ષથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની નિયમિત સેવા કરે છે, કોઈ પાંચ વર્ષથી હોટલ કે લારીની ખાણી-પીણીનો ત્યાગ કર્યો છે, તો કોઈ પાંચ-પાંચ વર્ષથી એકાદશીના નિર્જળ ઉપવાસ કરે છે. તપ અને ભક્તિનાં જીવંત રેખાંકનો સમાન આ પ્રત્યેક યુવકને વ્યક્તિગત મળીને સ્વામીશ્રીએ ખૂબ પ્રસન્નતા વરસાવી હતી.
ત્યાર બાદ છ યુવકોએ સ્વામીશ્રી સમક્ષ મંચ પર જ ગોષ્ઠિનો પ્રારંભ કર્યો. જેમાં યુવકોએ સ્વામીશ્રીને યુવાવર્ગને સ્પર્શતા પ્રશ્નો પૂછીને તેનું યથાર્થ સમાધાન મેળવ્યું હતું. યુવકોએ ગોષ્ઠિ દરમ્યાન સ્વામીશ્રીને પૂછેલા પ્રશ્નોમાંનો પહેલો પ્રશ્ન આધુનિક ફેશન સંબંધિત હતો. સ્વામીશ્રીએ સાચી સમજણ આપતાં કહ્યું, 'ખર્ચો કરીને જાતજાતનાં કપડાં પહેરીને આપણે બહુ રૂપાળા દેખાવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને લોકો ચાહવાના છે, એવું આપણે માનીએ પણ એ ખોટું છે. તમારા સદ્ગુણોથી જ તમારો પ્રભાવ બીજા પર પડશે. કપડાં કે વાણીની ચતુરાઈથી નહીં પણ ભગવાનની આજ્ઞા પાળવાથી લોકોને આપણા પ્રત્યે આદર અને પ્રેમ જન્મે છે. આપણી શોભા ભગવાનની આજ્ઞા પાળવાથી છે.'
ગોષ્ઠિમાં આગળ હોટેલ કે લારીનું, ફાસ્ટફૂડ કે અન્ય વાનગીઓ ખાવી કે નહીં તે પ્રશ્ન રજૂ થયો. જેના સંદર્ભે સ્વામીશ્રીએ સ્વરુચિ જણાવતાં કહ્યું કે 'હોટલ કે લારીનું ખાવું-પીવું નહીં. બહારનું ખાવાપીવામાં વિવેક રહે નહિ, આરોગ્ય બગડે અને મન પણ બગડે. જે વાનગી ભાવે તે ઘરે બનાવો. પણ બહાર તો નહીં જ. કારણ, એમાં સ્વચ્છતા-પવિત્રતા હોય જ નહીં. આપણે આદર્શ યુવક થવાનું છે. 'આદર્શ' એટલે જેનું બેસવું-ઊઠવું, રીતભાત, બોલવું-ચાલવું બધી રીતે શુદ્ધ હોય.'
સ્વામીશ્રી સમક્ષ છેલ્લો પ્રશ્ન હતો : કૉલેજ કાળમાં વિજાતીય આકર્ષણનો. જેનાં ઘણાં દુષ્પરિણામો પણ યુવક-યુવતીઓને ભોગવવાં પડતાં હોય છે. આ ગંભીર પ્રશ્નનું માર્ગદર્શન આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'આપણે ખરેખર સત્સંગ સમજ્યા હોઈએ કે આપણને સત્સંગનો મહિમા સમજાયો હોય તો આવો પ્રશ્ન ન આવે. આપણા સંસ્કારની પરંપરા આપણને વિવેક શીખવે છે. આપણા વડવાઓની જિંદગીમાં જુઓ. તમે તમારાં દાદા-દાદીને પૂછી જોજો, કોઈ દહાડો તકરાર નહીં થઈ હોય. આખી જિંદગી પૂરી થઈગઈ! શું એમને મુશ્કેલી નહીં આવી હોય? એનાથી બીજાં રૂપાળાં પુરુષો કે સ્ત્રીઓ નહીં દેખ્યાં હોય? બધાએ જોયા હોય, પણ જેની સાથે સંબંધ થયો એની સાથે જિંદગી પૂરી થવી જોઈએ, એ પ્રમાણે રહ્યાં તો દુઃખ આવ્યું નથી.
રૂપ, થોડું ભણેલ હોય, ચટાપટા થઈનેõ ફરતા હોય એમાં મોહ ન પામી જવાય. પ્રેમમાં આંધળા બનીને ભાગીને લગ્ન કરતાં પહેલાં વિચારજો. જેમનાથી તમારો જન્મ થયો છે, જેમણે તમને મોટા કર્યા છે એ માતા-પિતાને લગ્ન માટે પૂછવાની તમારી ફરજ છે. એમની જરા મરજી તો જાણવી જોઈએ ને ? એ જાણતા જ નથી, પછી દુઃખ આવે જ ને. પશ્ચિમના દેશોની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ અલગ છે. આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણ, અગ્નિ અને સમાજની સાક્ષીએ લગ્ન થાય છે. પછી જીવનપર્યંત સુખદુઃખમાં ભાગીદાર થઈ સંસારનું કાર્યકરવાનું છે એવી પ્રતિજ્ઞાઓ થાય. અગ્નિ અને સમાજની સાખે થયું હોય એટલે છૂટા ન પડે, પણ આ તો રસ્તે જતાં ભેગાં થયાં અને રસ્તે જતાં છૂટાં પડ્યાં! ભલે તમને તે પાત્ર ગમે એટલું ગમતું હોય, પણ ભગવાન, મોટાપુરુષ, માબાપને ગમતું ન હોય તો દુઃખ પડે છે. એના કરતાં પૂછીને કરીએ અને દુઃખ પડે તે સારું, એમાં સંતોષ છે. બધાનો વિરોધ કરીને લગન કર્યા પછી દુઃખઆવી પડે તો પછી કોઈ આપણી જવાબદારી ન લે. માટે આપણી મર્યાદાઓ જાણી, સમજીને પાકું કરવું જોઈએ.
અને જો છોકરા-છોકરીને લગ્નનો વિચાર થયો તો પછી માબાપે પણ વિચાર કરવો કે સમાજમાં યોગ્ય હોય, સંસ્કાર હોય તો એની સાથે ભલે લગ્ન કરે. કુટુંબની મર્યાદા સાચવીને લગ્ન કરવામાં આવે તો કોઈ વાંધો નથી.
સમાજની મર્યાદા, સંસ્કૃતિ, અને સંસ્કારો સાચવીશું એટલાં આપણને સુખશાંતિ થશે અને આપણા પર ભગવાન રાજી થશે.'
લગભગ ૪૫ મિનિટ સુધી સ્વામીશ્રીએ યુવામાનસમાં ગૂંચવાતા પ્રત્યેક પ્રશ્નના અભૂતપૂર્વ ઉત્તર આપ્યા. વાત્સલ્યમૂર્તિ સ્વામીશ્રીના સ્નેહથી અનેકની આંખો આ પ્રસંગે સજળ બની ગઈ હતી.
આ પ્રસંગે યુવતીઓએ વિવિધ નિયમો ધારણકર્યા હતા. એ નિયમોની જાહેરાત પણ કરવામાં આવી. કાર્યક્રમના અંત ભાગમાં સૌ યુવકોએ સમૂહમાં વાદ્ય સહિત 'રે સગપણહરિવરનું સાચું' કીર્તન ગાયું ત્યારે ભાવસભર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી.છેલ્લે સ્વામીશ્રી જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે પણ પાંખો ફફડાવતા યુવકો સાથે 'તમારા હૃદયઆકાશમાં પંખી બની ઊડ્યા કરું...' એ કીર્તન ગુંજી રહ્યું હતું. જયનાદો અને ભાવવિભોર વાતાવરણ વચ્ચે સ્વામીશ્રીએ પ્રસ્થાન કર્યું. અમદાવાદમાં ૫,૦૦૦ યુવકો કરવાનો યોગીજી મહારાજનો સંકલ્પ આજે સાકાર થયો હતો. તેનો સંતોષ સ્વામીશ્રી અને યુવકોનાં હૈયાંમાં છલકાઈ રહ્યો હતો. એક અવિસ્મરણીય સભાની સ્મૃતિ સાથે સૌ વિખરાયાં.
|
|