|
ભારતની યાત્રાએ આવેલા યુ.કે. અને ફ્રાન્સનાં બાળકો - યુવાનોને સંસ્કૃતિ અને સંસ્કારનાં ઉમદા મૂલ્યો શીખવતા પ્રમુખસ્વામી મહારાજ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અટલાદરામાં ઇંગ્લૅન્ડ તેમજ ફ્રાન્સથી ભારતયાત્રાએ આવેલાં ૧૧૦કિશોર-કિશોરીઓની સત્સંગ તાલીમ શિબિર યોજાઈ હતી. સ્વામીશ્રીએ આ શિબિરમાં પ્રસંગે પ્રસંગે ઉપસ્થિત રહીને યુવાપેઢીને સત્સંગ, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનો અદ્ભુત ઉપદેશ આપ્યો હતો. તેમાંનાં ચૂટેલાં અમૃતવચનોઅહીં માણીએ...
સાચી ફ્રેન્ડશિપ :
'આ યુવા અવસ્થામાં તમે ઘણું પ્રાપ્ત કરી શકો છો અને ઘણું ગુમાવી પણ શકો છો. સત્સંગ મળે તો તરી જવાય અને કુસંગ મળે તો ડૂબી જવાય. કુસંગ ઓળખાય તો તેમાંથી બચી જવાય. નાટક-સિનેમા, નાચગાન, દારૂના જલસા હોય ત્યાં જીવન બગડવાનું છે. અત્યારે બધે ફ્રેન્ડશિપ ડે ઊજવાય છે, પણ સાચો ફ્રેન્ડશિપ ડે એટલે? ભગવાન સાથે પ્રેમ કરવો તે. જેની પાસે જવાથી આપણું કલ્યાણ થાય એની સાથે ફ્રેન્ડશિપ હોય. દારૂ પીવો, વ્યભિચાર કરવો, જૂઠું બોલવું, પૈસા ખોવા, પોતાનાં માબાપની આબરૂને ખલાસ કરવાની, એ ફ્રેન્ડશિપ નથી.
જેણે ભગવાનને પ્રેમ કર્યો એનો ઉદ્ધાર થયો છે અને જે માણસો ખોટે રસ્તે ગયા છે એનો નાશ થયો છે. એટલે જ સત્સંગ કરો, સાચા પુરુષોનો સંગ કરો, સાચું બોલો અને સાચા માર્ગે ચાલો.'
સત્સંગ અને સદ્વાંચન :
'વિજ્ઞાને માનવજાતને ઘણું આપ્યું છે, પણ સાથે ખોટું પણ ઘણું થઈ ગયું છે. ટી.વી.માં શિક્ષણ અંગે ઘણું આવશે, પણ એ જોવામાં રસ નથી. પરંતુ જેની અંદર અશ્લીલ આવે એ જુઓ પછી એમાં વધારે વિકૃતિ થઈ જાય છે. ઘરમાં સૌ ભેગાં બેસીને ટી.વી. જુ એ અને એમાં અશ્લીલ ચિત્રો પણ આવતાં હોય. એ માણસની વૃત્તિને ભડકાવે છે. માણસમાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાં રોગ પડ્યા જ છે. પરંતુ બહારથી જુ ઓ એટલે અંદરથી એ વધુ બળ કરે. પછી આપણા સંસ્કાર રહે ખરા? એટલે કહ્યું છે કે એવું જોવું જ નહીં, એવી વાતો સાંભળવી જ નહીં, એ માર્ગે જવું જ નહીં. આપણે વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી વાંચવાનું રાખવું. ભારતના મહાન સંતો-ભક્તોના જીવનપ્રસંગો વાંચો. આપણાં શાસ્ત્રોનું નિયમિત વાંચન કરો. પહેલેથી એવા સંસ્કાર મેળવો.
પાયો મજબૂત હોય તો ૧૦૦ માળની ઈમારત હોય તોપણ એ ડગે નહીં. તેમ, સત્સંગ અને સદ્વાંચનનો પાયો હોય તો આધ્યાત્મિક માર્ગમાંથી ક્યારેય ચલાયમાન ન થવાય.'
તમને ધન્યવાદ છે...
'તમે બધા પરદેશમાં જ જન્મ્યા અને ત્યાં જ ઊછર્યા છો. ત્યાં અનેક સુવિધાઓ અને એવું વાતાવરણ છે કે સામાન્ય રીતે સત્સંગનો રંગ લાગે જ નહીં. ડ્રગ, સિગારેટ, દારૂ, જુગાર, ડાન્સપાર્ટીઓ, ટી.વી., ઈન્ટરનેટ, વ્યભિચાર નાની ઉંમરમાં જ સહેજે પેસી જાય છે. મંદિરમાં આવવું, સત્સંગસભામાં કથા સાંભળવી, પ્રાર્થના-પૂજા કરવી એ જીવમાં હોય નહીં. આમ છતાં તમે નાના નાના યુવકો-બાળકો અને બધા આ સત્સંગના માર્ગમાં જોડાયા છો. ત્યાં રહીને પણ વ્રત કરવા, ધર્મનિયમો પાળવા, શાસ્ત્રવાંચન કરવું, વગેરે દૃઢતાથી કરો છો એ મોટી વાત છે. પરદેશના વાતાવરણમાં પણ આટલું બળ મળ્યું છે એનું મુખ્ય કારણ છે મંદિર. મંદિરમાં આવવાથી આ જ્ઞાન થાય.'
ભજન કરવા માટે શરીર છે...
'ભગવાનનું ભજન, ભક્તિ કરી આત્માનું કલ્યાણ કરી શકીએ એ માટે ભગવાને આપણને જન્મ આપ્યો છે. શરીર એ સાધન છે. આંખથી ભગવાનનાં દર્શન કરવાનાં; ટી.વી., સિનેમા, ઇન્ટરનેટ નહીં જોવાનાં. શરીરને ખોરાક આપવાનો છે, પણ ખાવા માટે શરીર નથી. શરીર ટકે એ માટે ખોરાક લેવો. શુદ્ધ અને સાત્ત્વિક ખોરાક લેવો. માંસાહાર ન કરવો. તેવી જ રીતે કપડાં એ શરીરને ઢાંકવા માટે જોઈએ. ગમે એટલા મોંઘા શણગાર સજો, પણ આપણે જેવા છીએ એવા જ કાયમ રહેવાના છીએ. એ બધા શોખના વિચારોમાં કેટલાયનું જીવન પૂરું થઈ જાય છે! આત્માને આ જગતનું કોઈ સુખ જોઈતું નથી.
તમે લંડનથી ખાસ ભારતયાત્રાએ આવ્યા તો સાચું જ્ઞાન થયું. અહીં ભગવાનનાં દર્શન થયાં. તમે ઉપવાસ, યાત્રા, સેવા, સત્સંગશિબિરો વગેરે કર્યું તો અહીં આવવાનું સાર્થક થયું. આ શરીર ભગવાન ભજવા જ મળ્યું છે એટલે એ કાર્ય વધુ થાય એમ કરજો. બળ મળશે. આશીર્વાદ છે.'
ભારત ડર્ટી નથી...
'કેટલાક ભારતથી પરદેશ જાય એટલે ત્યાં વાત કરે કે ઈન્ડિયા ડર્ટી છે. તમે સૌ યાત્રાસ્થળોએ ફર્યા. ભગવાનનાં તીર્થસ્થળોએ તમને આનંદ પણ આવ્યો હશે. કદાચ ક્યાંક અડચણ પડી હશે. પણ આ ડર્ટી ન કહેવાય. ડર્ટી કોણ છે? જેમાં સંસ્કાર નથી એ ડર્ટી છે. જેમાંથી સંસ્કાર નાશ પામે એ ડર્ટી છે. કચરો તો બધે જોવા મળે છે, એ કચરો સાફ કરવાનો જ છે, પણ ખરો કચરો કુસંસ્કારનો છે. માટે જ સાચી સ્વચ્છતા આપણા અંતરની કરવાની છે. બહારની શુદ્ધિ તો છે જ, પણ અંતરમાં શુદ્ધિ હોય તો બધું સારું દેખાય.
ક્યારેય ઇન્ડિયાને ડર્ટી નહીં કહેતા, પણ ઇન્ડિયા ઈઝ વેરી નાઈસ. કારણ કે અહીં ભગવાન અને સંત છે અને એ વેરી નાઇસ છે. દુનિયામાં બધે કચરો તો છે, પણ વિવેક હશે તો સારા-નરસાનો ખ્યાલ આવશે.'
|
|