જન્માષ્ટમી ઉત્સવની ભક્તિસભર ઉજવણી
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ પ્રત્યેક સનાતન ધર્મી અનેરા ઉત્સાહથી ઊજવે છે. તાજેતરમાં તા. ૧૬-૮-૦૬ના રોજ અટલાદરામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ ઉલ્લાસભેર ઊજવ્યો હતો. આ દિને ઉત્સવને અનુરૂપ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ અને ખંડો શણગારોથી શોભતાં હતાં.
સંધ્યા સમયે યોજાયેલી વિશાળ ઉત્સવસભામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા હતા. સંતોનાં કીર્તનગાન બાદ અનુક્રમે વિવેકસાગર સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ પ્રવચનમાં ઉત્સવમર્મનો આસ્વાદ કરાવ્યો. તેમજ યુવકો અને બાળકોએ શ્રીકૃષ્ણની જીવનલીલા આધારિત નૃત્યનાટિકા અને 'ગોવિંદ આલા રે...' ગીતના તાલે નૃત્ય કર્યું.
ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી તે જણાવતાં સ્વામીશ્રીએ આશીર્વચનમાં કહ્યું, 'ભગવાનની આગળ આપણે સૌ બાળક સમાન છીએ. ભગવાન આગળ આપણી કોઈ મોટપ નથી. એ ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. રામાયણમાં વાનરોએ રામ ભગવાનની સેવા કરીને તેમને રાજી કર્યા તો ભક્તો કહેવાયા. હનુમાનજીએ કેવળ દાસભાવે ભગવાનની સેવા કરીને ભગવાનને રાજી કર્યા. હૃદયની શુદ્ધ ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. આપણે જો ભગવાનને રાજી કરવા હોય તો આપણી બુદ્ધિ, આવડત, અહંકાર મૂકી દઈને કેવળ દાસભાવે ભક્તિ કરવાની છે.'
આ ઉપરાંત સુરતમાં આવેલા વિનાશક પૂરનો સામનો કરી રહેલા આપત્તિગ્રસ્ત લોકો માટે તેમજ રાહતકાર્યમાં જોડાયેલા બી.એ.પી.એસ. સંસ્થાના સંતો-કાર્યકરોને બળ મળે તે માટે સ્વામીશ્રીએ ધૂન અને પ્રાર્થના કર્યાં હતાં.
સભાના અંતમાં સ્વામીશ્રીએ કૃષ્ણ જન્મોત્સવની આરતી ઉતારી. ત્યાર બાદ ભક્તિ અદા કરતાં સ્વામીશ્રીએ ઠાકોરજીને પારણે ઝુલાવ્્યા. આ દરમ્યાન સંતોએ'નંદ ઘેર આનંદ ભયો'ના ઉદ્ઘોષ સાથે કીર્તનગાન કરી ભક્તિસભર વતાવરણ ખડું કર્યું હતું.
હરિભક્તોએ ઉત્સવસભા માણીને ઠાકોરજીનાં દર્શન કરી વિદાય લીધી હતી.
|