શ્રાદ્ધપર્વમાં ઊજવાયું બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરવાનો દિવસ એટલે શાસ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધપર્વ-સ્મૃતિપર્વ. દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે તા.૧૦-૯-૦૬ના રોજ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજનો શ્રાદ્ધદિન ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. શ્રાદ્ધદિન નિમિત્તે સ્થાનિક અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા.
પ્રાતઃપૂજા કરવા પધારતાં પૂર્વે સ્વામીશ્રીએ મંદિરના અંતિમ ખંડમાં અનિમેષ નયને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરીને સૌનાં કલ્યાણ માટે માંગલિક સંકલ્પો સાથે પ્રાર્થના કરી હતી.
પ્રાતઃપૂજામાં સંતોએ શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને પ્રતિભાને વર્ણવતાં કીર્તનો ગાઈને ભાવાંજલિ અર્પણ કરી હતી.
પ્રાતઃપૂજા સાથે જ આરંભાયેલી શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિસભામાં વિવેકસાગર સ્વામી અને સંતોનાં પ્રવચન પછી દિલ્હી યુવક મંડળે 'અક્ષરપુરુષોત્તમ ઉપાસનાને કાજ...' કીર્તનના આધારે નૃત્ય રજૂ કર્યું. છેલ્લે નૃત્યમાં જ અક્ષરપુરુષોત્તમની ફરફરતી ઉપાસના-ધજાઓને લઈને નૃત્યકાર યુવકો મંચ પર ધ્વજ લહેરાવી રહ્યા હતા. સ્વામીશ્રીને પણ ધ્વજ આપવામાં આવ્યો અને ઉપાસનાનો ઝ _ડો ફરકાવીને સ્વામીશ્રીએ અણમોલ સ્મૃતિ આપી.
અંતે, સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'આજે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમ જ્ઞાન આપ્યું એ આપણે દૃઢ કરવું અને બીજાને સમજાવવું એ આપણી સેવા છે. પ્રથમ આપણે દૃઢ કર્યું હશે તો બીજાને સમજાવાશે. જે વાત તમે સમજ્યા હો એ બીજાને કરો તો તમારી પણ દૃઢતા વધુ થશે. તો શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરીએ પરંતુ એમની સાચી સ્મૃતિ શું છે? એમણે જે સાધુતા રાખી ભજન કર્યું, મંદિરો કર્યાં એ સ્મૃતિ કરવી.'
આશીર્વચનની સમાપ્તિ બાદસ્વામીશ્રીએ આ પ્રસંગે સંતો-હરિભક્તો માટે તૈયાર થયેલા દૂધપાકમાં ઠાકોરજીનાં પ્રાસાદિક પુષ્પ નાંખી એક વિશેષ સ્મૃતિ આપી હતી.
|