Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અક્ષરધામ સેવકોને સ્વામીશ્રીના પ્રસન્નતાભર્યા આશીર્વાદ

સ્વામિનારાયણ અક્ષરધામ એક નિતાંત મહોત્સવ છે. ભારત અને દુનિયાભરના મહાનુભાવો અને દર્શનાર્થીઓ અહીંથી ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણનો શાશ્વત સંદેશ લઈને સુવાસિત બને છે. આ લાખો અતિથિઓ તેમજ સમગ્ર પરિસરની સેવા માટે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ અક્ષરધામમાં સંસ્થાના ૮૫૦ સ્થાયી અને અન્ય સામયિક સેવા આપનારા ૨૦૦ કરતાંય વધુ કાર્યકર-સેવકો અવિરત પુરુષાર્થશીલ રહે છે. ઘર-પરિવારથી દૂર રહીને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી લઈને બાગકામ કરનારા માળી સુધીના આ સર્વે કાર્યવાહકોનો પુરુષાર્થ તનતોડ છે. તેમના પર પ્રસન્નતા વરસાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, 'આ સેવાનું ફળ અનંત છે.'
આત્મસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં સેવા કરી રહેલા સર્વે અક્ષરધામ સેવકોના એક વિશિષ્ટ સમારોહ તા.૧૧-૦૯-૨૦૦૬ના રોજ યોજાયો હતો. સમારોહમાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનનો લાભ આપ્યા બાદ ઘનશ્યામચરણ સ્વામી પ્રાપ્તિનો મહિમા સમજાવ્યો હતો. તેઓના પ્રવચન દરમ્યાન સાહજિક સ્વામીશ્રીના પ્રતિભાવોથી સભા એકદમ જીવંત બની ઊઠી. બાલભારતી સ્કૂલના વિદ્યાર્થી બાળકોએ 'યુગોં યુગોં સે તપ કરતી હૈં...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કરીને પોતાની કળા પાવન કરી. પીયૂષ પટેલ લિખિત 'નયે યુગ કા સર્જન' એ સંવાદ રજૂ થયો. અક્ષરધામના સેવક મયંક પટેલે અક્ષરધામ દર્શન શોધ નિબંધ સ્વામીશ્રીને અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ત્યાર બાદ અક્ષરધામ સેવિકા મહિલામંડળની પ્રાર્થનાનું પઠન થયું.
અંતે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, 'અક્ષરધામનો મહિમા અદ્‌ભુત છે, અદ્‌ભુત કલાકૃતિ છે, એમાં ભગવાન સાક્ષાત્‌ પોતાના ધામ-મુક્તો સહિત વિરાજ્યા છે. એને જોવા હજારો-લાખો માણસો આવશે, એ બધાનું કલ્યાણ થશે એવું અદ્‌ભુત કાર્યછે.
આજે કંઈબધું થયું છે ને થશે એ બધો જ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે. યોગીજી મહારાજનો સંકલ્પ છે અને શાસ્ત્રીજી મહારાજનો અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત છે એના સંકલ્પે આ બધું કાર્યથયું છે, થઈ રહ્યું છે ને થવાનું છે. એમાં આપણને બધાને જે સેવા મળી છે એ અદ્‌ભુત સેવા છે.
આ સામાન્ય સેવા નથી. શ્રીજીમહારાજે વચનામૃત લોયા-૩ની વાત કરી છે. દુનિયાના માણસ માટે ન્યોછાવર થઈએ છીએ. લોકો એના માટે મરી મટે છે, પણ એનું ફળ સામાન્ય છે. જ્યારે આનું ફળ અનંત છે. આપણે જે કાંઈ ત્યાગ કરવાનો છે એભગવાન અને સંત માટે. ત્યાગ કરીને મેળવવાનું ઘણું છે. આ તો ભગવાનની સેવા છે, મોક્ષની બાબત છે, અક્ષરધામમાં જવાની વાત છે એવી અદ્‌ભુત સેવા મળી છે, એમ મહિમા સમજીને તમે જોડાયા છો તો તમારાં પણ ધન્યભાગ્ય છે કે તમને આ સેવા મળી. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું કે 'ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બહુ મોટાં ભાગ્ય હોય તો મળે.' મહિમા સહિત સેવા કરીએ તો શાંતિ થાય. મહિમા ન હોય તો એને વેઠ કહેવાય. મહિમાએ સહિત સેવા કરીએ તો એ આપણું કલ્યાણ કરે. આત્માના કલ્યાણ માટે આ સેવા છે એવા મહિમાથી સેવા કરે તેનું કામ થઈ જાય.
અક્ષરધામનાં દર્શન લોકો ઇચ્છે છે એ આપણે ભગવાનની દયાથી કાયમ થાય છે. મોટા અવતારો, દેવતાઓ જેનાં દર્શનને ઇચ્છે છે તેની આ સેવા મળી છે એ મહારાજની આપણા પર કૃપા છે.
આ સેવાથી ભગવાન શ્રીજીમહારાજ રાજી થાય છે. દેવતાઓ, •ષિઓએ આ સેવા માટે હજારો વરસ તપ કર્યાં તોપણ એને આસેવા મળી નથી એ સેવા આપણને મળી છે. અખંડ ઉત્સાહમાં રહેજો, સારી રીતે સેવા કરજો અને તમને મહારાજ બળ આપશે, તમને શાંતિ પણ થશે, કુટુંબને શાંતિ પણ થશે ને અંતે આ સેવા કરતાં કરતાં, સમાગમ કરતાં કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ પ્રાપ્ત થશે.'
સ્વામીશ્રીના અનહદ વાત્સલ્ય અને ઉપકાર પ્રત્યે આભાર પ્રગટ કરતાં સ્વયંસેવકોએ જય જયકાર સાથે આજની સભાની દિવ્ય સ્મૃતિઓને હૃદયમાં કાયમ માટે જડી દીધી હતી.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |