|
યોગીજી મહારાજનો સંકલ્પ, પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ અને મુંબઈ સત્સંગ મંડળની પ્રતિજ્ઞા : મુંબઈ રંગવું છે...
'મુંબઈ રંગવું છે...' અસંખ્ય વખત આમ બોલીને યોગીજી મહારાજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગનો રંગ સૌને લાગે તે સંકલ્પ વારેવારે રટતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગના ઇતિહાસ અને વિકાસમાં મુંબઈ સત્સંગમંડળનું આરક્ષિત સ્થાન છે. યોગીજી મહારાજે પત્રો દ્વારા અને અનેક વખત સ્વયં અહીં પધારીને સત્સંગનાં બીજ વાવ્યાં અને તેનું જતન કર્યું. ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને પુરુષાર્થથી મુંબઈ સત્સંગમંડળ વીજની ગતિએ વિકસી રહ્યું છે. તાજેતરમાં પ્રમુખસ્વામી મહારાજના રોકાણ સમયે મુંબઈના બાળ-યુવા સત્સંગ મંડળે 'મુંબઈ રંગવું છે.' આર્ષવાણીના શીર્ષક નીચે ત્રણ તબક્કામાં મુંબઈના બી.એ.પી.એસ. બાળ-યુવા મંડળોએ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અનુક્રમે તા.૧૭ અને ૨૪ સપ્ટેમ્બર તથા ૨ ઓક્ટોબર, ૨૦૦૬ના દિવસે યોગીસભા ગૃહમાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આલેખન અને દિગ્દર્શન આદર્શજીવન સ્વામીએ કર્યું હતું. અત્રે તે કાર્યક્રમ અંતર્ગત સ્વામીશ્રીએ આપેલાં આશીર્વચનો પ્રસ્તુત છેઃ
સંપ, સુહૃદભાવ અને એકતા :
યોગીજી મહારાજની જીવન-ભાવનાઓમાં અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગના પાયામાં સંપ, સુહૃદભાવ અને એકતાનો મંત્ર પડઘાય છે. આ જ મૂલ્યને 'મુંબઈ રંગવું છે' કાર્યક્રમના પ્રથમ ભાગમાં તા. ૧૭-૯-૦૬ના રોજ બાળકો અને યુવાનોએ મંચ પર તાદૃશ્ય કર્યું હતું. જેમાં, યોગીજી મહારાજની પ્રસિદ્ધ બોધકથાઓમાંથી 'ટીટોડી અને સાગર'ની વાર્તાને સંવાદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. નાનકડા પક્ષીઓની ફૌજ સંપ અને પ્રાર્થનાના બળે વિશાળ અને તાકાતવર દરિયાને હરાવે છે, તેની અદ્ભુત રજૂઆત થઈ. ત્યાર બાદ બાળકો અને યુવાનોએ પરસ્પર સુમેળ સાધીને એકમના થવાનો સંદેશ આપતાં 'મુંબઈ રંગવું છે, મુંબઈ રંગવું છે...' નૃત્ય કર્યું હતું. આ દરમ્યાન બે બાળકોએ સ્વામીશ્રીને ગુલાબનાં પુષ્પ અર્પીને વાતાવરણ ભાવવાહી બનાવ્યું હતું. આ પૂર્વે વિવેકસાગર સ્વામીએ 'એક જ નિશાન અક્ષરધામ' વિષયક પારાયણ કરતાં આ મૂલ્ય પર વિશેષ પ્રકાશ પાથર્યો હતો.
ત્યાર બાદ સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું, 'બાળકોએ સુંદર નૃત્ય કર્યું. મુંબઈ રંગવામાં બધાએ ભેગા થઈને સારો દાખડો કર્યો છે. થોડુંક રંગાયું તો છે ને આગળ રંગવાનું બાકી છે, એ પણ રંગાઈ જશે. હિંમત અને બળ છે એટલે વાંધો નહીં આવે. જોગી મહારાજના સૂત્ર પર દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ બધું કાર્ય થઈ શકે. ભગવાન જ્યારે કાર્યમાં ભળે છે ત્યારે આપણું કામ સરળ થાય છે. માટે દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખવા.
બીજી અગત્યની વાત છે- સંપ. જ્યાં સંપ હોય ત્યાં સંપત્તિ અને સુખ બંને વધે. ભગવાનને રાજી કરવા માટે સંપ જરૂરી છે. સંપ ન હોય ત્યાં વિખવાદ જ થાય. જોગી મહારાજનો સંકલ્પ 'મુંબઈ રંગવું છે' તે પૂરો કરવાનો છે, તે જો તમે બધા સંપ રાખશો તો થશે. જોગી મહારાજના સંકલ્પો બહુ જ મોટા છે. તે ઘડીએ બોલતા ત્યારે લાગતું કે આ બધું ક્યાંથી થાય? મુંબઈ, કોલકાતા, યુરોપ, અમેરિકા, જાપાન રંગવું છે- એ ઘડીએ વિશ્વાસ આવે ખરો? પણ આજે આપણે જોઈએ છીએ સત્સંગ કેટલો બધો વધ્યો છે!
દરેક કાર્યમાં પ્રથમ શ્રદ્ધા જોઈએે. આખું મુંબઈ રંગવામાં કેટલા બધા માણસો જોઈએ? પણ શ્રદ્ધાથી મંડીએ તો થઈ જાય, ન થાય એવું છે નહીં. કાંકરે કાંકરે પાળ બંધાય. થોડું થોડું પણ શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ તો બહુ મોટું કામ થાય. તમે અભ્યાસ નિયમિત કરો તો ધીમે ધીમે ડિગ્રી મળી જાય. ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ થઈ જવાય. જોગી મહારાજ સાધુની પણ ડિગ્રી કહેતા. સાધુતા એ મોટી ડિગ્રી છે. જોગી મહારાજે ભગવાનને ધાર્યા હતા એ પણ એક ડિગ્રી હતી તો હજારોને ભગવાન ભજાવ્યા. પેલા ડિગ્રીધારી પૈસા કમાવા ને જગતનાં કાર્યો કરે. આ ડિગ્રી એવી છે કે એમાં ભગવાનનો વાસ થઈ જાય. સાધુની પણ એક ડિગ્રી છે જ. આપણે સાધુ ન થઈએ એ વાંધો નથી. પણ ઝઘડો થાય નહીં અને સંપીને કામ કરીએ તો જોગી મહારાજ રાજી થાય. રંગવા માટે એક દહાડે નહીં થાય, પણ અત્યારથી મંડી પડશો તો ડિગ્રી મળે ત્યાં સુધીમાં તમેય રંગાઈ જશો ને મુંબઈ પણ રંગાઈ જશે.'
સ્વ આચરણ :
કોઈ પણ મૂલ્યને પ્રસરાવવા માટેની પ્રથમ શરત છે- સ્વ આચરણ. જેમ સત્યને પ્રસરાવવા ઇચ્છતી વ્યક્તિએ સૌ પ્રથમ પોતે સત્યને આત્મસાત્ કરવું પડે, તેવી જ રીતે મુંબઈને રંગવા માટે સ્વ-આચરણ વિશેષ ઉપયોગી છે- એ બાબતનો નિર્દેશ કરતી ત્રણ અભિવ્યક્તિઓ સંવાદ રૂપે બીજા તબક્કામાં તા. ૨૪-૯-૦૬ના રોજ ભજવવામાં આવી હતી. જેમાં નિયમધર્મનું પાલન, સાંપ્રદાયિક ગ્રંથના વાંચન, નિયમિત પૂજાપાઠ તથા અભાવ-અવગુણ ન લેવો વગેરે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સમાવિષ્ટ હતાં. 'મુંબઈ રંગવું છે' એ નૃત્યગીતથી યુવકોએ આ સંવાદનું સમાપન કર્યું.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'માણસ ક્યારે સાચો ભક્ત થાય? જ્યારે તેના જીવનમાં બધું બરાબર હોય ત્યારે. કોઈ કહે- I am Doctor પણ Doctor નો એક પણ ગુણ ન હોય તો ડૉક્ટર કેવી રીતે કહેવાય? એમ આપણે સત્સંગી છીએ, પણ સત્સંગીનો એક પણ ગુણ ન હોય તો સત્સંગી કહેવાય ક્યાંથી? અત્યારે ગરબાની વાત આવી છે. નોરતાંનો આપણે કોઈ નિષેધ નથી. પણ બદલાયેલી ગરબાની રીતનો નિષેધ છે. ગમે તે માણસ ગીતો ગાય અને એમાં છોકરા-છોકરીઓ સાથે જ નાચે. તેમાં માતાજીની ભક્તિ અને મહિમા ગાવાનો મૂકીને બધાં બીજે રંગે ચઢી ગયાં. પછી દારૂ પીવો, ગુટખા ખાવા, વ્યભિચાર કરવો, ચોરી કરવી, માંસાહાર કરવો એ પણ સામાજિક દૂષણ જ છે ને! જોગી મહારાજને જે રંગ ચડાવવો છે એમાં આ બધાં કુલક્ષણ મૂકી દેવાં પડે, તો જ સત્સંગનું સુખ આવે. જોગી મહારાજ જેવા સંત મળે અને એમની પાસે જઈએ તો આપણને સાચો રસ્તો બતાવે ને આપણું કલ્યાણ થઈ જાય. એટલે જોગી મહારાજની ઇચ્છા એ છે કે આપણે જીવમાં એવો સત્સંગ દૃઢ કરવો કે કુસંગ ન લાગે. સાથે, સત્સંગ વાંચન પણ એટલું જ અગત્યનું છે. સત્સંગનું સાહિત્ય વાંચ્યું ન હોય પછી છોકરાંને ક્યાંથી જાણ થાય? જગતનું તો બધું જાણે પણ આત્મકલ્યાણ માટે ભાગવત, ગીતા, ઉપનિષદ, રામાયણ, વચનામૃત, સ્વામીની વાતોનિયમિત ઘરમાં વંચાવાં જોઈએ. આપણું જીવન એવું બનાવો કે બીજાને પ્રેરણા મળે અને સત્સંગ વધે.'
ભગવાનના રંગે રંગાઈ જવું :
દશેરાના પવýની સંધ્યાસભાએ તા. ૨-૧૦-૦૬ના રોજ 'મુંબઈ રંગવું છે' કાર્યક્રમનો ત્રીજો અને અંતિમ ભાગ રજૂ થયો. હરિભક્તોથી ખીચોખીચ ભરેલા યોગીસભા ગૃહમાં વિવેકસાગર સ્વામીએ દશેરાના ઉત્સવની પ્રાસંગિક વાતો કર્યા પછી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. યોગીજી મહારાજની સંકલ્પપૂર્તિ માટે સ્વામીશ્રીએ કેવી રીતે જાતને નીચોવી છે અને લાખો લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો છે. આ મધ્યવર્તી વિચાર સાથે સંપર્ક આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
અંતે સ્વામીશ્રીએ પણ આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'આપણે દુનિયાનો રંગ ઉતારવો છે અને ભગવાનનો રંગ ચઢાવવો છે. કેટલાકને હજુ એમ થાય કે 'આપણાથી કેમ રંગાય ? આપણે એમાં શું કરી શકીએ? આપણાથી એ ન થાય.' એવી મોળી વાત પણ કરનારા હોય છે. પણ માણસ ધારે એ કરી શકે છે. ભગવાનની આજ્ઞા સમજીને પુરુષાર્થ કરીએ તો કૃપા થાય જ છે. પુરુષાર્થ કરવાની સાથે શ્રદ્ધા પણ જોઈએ કે 'હું વાત કરીશ એ બીજાને મનાશે જ. ભગવાનની વાત સાચી છે, રંગ સાચો છે.' એવી દૃઢતા હોય તો બીજાને પાકો રંગ ચડે. એ રંગ ભૂંસાય નહીં ને હૃદયમાં આરપાર ઊતરી જાય. એટલે આપણે તો સુખિયા થવું છે ને બીજાને સુખિયા કરવા છે. પણ કેવી રીતે? ઢગલે ઢગલા પૈસા કે મોટા મોટા મહેલ આપીને નહીં, પણ ભગવાન અને સંતની ઓળખ કરાવીશું તો એ પણ સુખિયા થશે ને આપણે પણ સુખિયા થઈશું. તો એ સુખી થવા અને કરવા માટે જોગી મહારાજે કહ્યું, 'મુંબઈ રંગવું છે.' પહેલાં આપણને રંગ ચઢી જાય તો બીજાને રંગ ચઢે, પણ આપણો રંગ ઊતરી જાય તો બીજાનોય ઊતરી જાય. એટલે આપણો રંગ ચઢ્યો છે એ ઊતરવો જોઈએ નહીં અને એ રંગ એવો રહે કે દુનિયાનાં તમામ વૉશ કરવાનાં સાધન અંદર નાખે તો એ પણ એ રંગે રંગાઈ જાય.' |
|