|
દેશની આર્થિક રાજધાની અને દિવસરાત દોડતા મુંબઈ શહેરમાં સત્સંગનાં સુખ પ્રસરાવતા પ્રમુખસ્વામી મહારાજ
મુંબઈ. દેશની આર્થિક રાજધાની. શેરબજારના ઉતાર-ચઢાવ, હજારો મલ્ટીનેશનલ કંપનીઓના કોર્પોરેટ કલ્ચર તેમજ બોલિવૂડ અને ફેશનની ઝાકઝમાળ, લાખો લોકનું પરિવહન કરતી લોકલ ટ્રેનની સાથે પ્રતિષ્ઠિત શૈક્ષણિક ઈન્સ્ટિટ્યૂટ્સમાં અભ્યાસ કરતા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રના માધાંતાઓ અને દેશભરમાંથી નસીબ અજમાવવા આવતા લાખો લોકોનું રહેઠાણ મુંબઈ ïશહેર છે.
આ શહેરને સત્સંગ અને આધ્યાત્મિક સુખ આપવા પ્રમુખસ્વામી મહારાજ તા.૧૪-૯-૨૦૦૬ના રોજ પધાર્યા હતા. દાદર ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પધારેલા સ્વામીશ્રીની નિત્યપૂજાના દર્શને તેમજ તેમના સાંનિધ્યમાં યોજાતી સત્સંગ સભામાં હજારો હરિભક્તો અને ભાવિકો ઊમટતા હતા. નિત્ય સત્સંગસભામાં સ્વામીશ્રીએ ઉચ્ચારેલાં સાચા સુખ અને શાંતિના પર્યાયસમાં આશીર્વચનોઃ
‡ નિત્ય ભજન, નિત્ય આનંદ :
'ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે ભગવાનના ભક્ત છે એને ભગવાનનાં ભજન, કીર્તન કરતાં કરતાં ઘણા દિવસ થાય તો પણ જાણે એક ક્ષણ જ વીતી હોય તેવું લાગે છે. ભક્તને તો ભજન કરવામાં સમય ક્યાંય પસાર થાય તે ખબર જ ન પડે. ભજન-ભક્તિ વગર એક ક્ષણ જાય તો વરસો વીત્યા હોય તેવું લાગે. એટલે શ્રીજીમહારાજે કહ્યું છે કે કથાવાર્તા, કીર્તન, ભક્તિ, આ બધું કરતાં જ રહેવું અને એનાથી તૃપ્તિ થઈ એમ માનવું નહીં. નિત નિત ભગવાનની મૂર્તિનાં દર્શન અને સંતોના મુખે કથાવાર્તાનો સંગ રાખવો જ, ભલે એની એ જ વાત હોય, પણ મહિમાએ સહિત ભક્તિ અને પ્રેમ હોય તો એ નવીન જ લાગે, આનંદ જ આવે.
જેમ રોજ જમવાનું એનું એ જ હોય છે, તોપણ આનંદ આવે છે. એમ કથાવાર્તામાં એના એ જ શબ્દો હોય, પણ એ શબ્દો કોના છે? ગુણાતીતનાં વચનો અને શ્રીજીમહારાજના શબ્દો. એ શબ્દો જીવનને સ્પર્શે તો આપણું કામ થઈ જાય એવું છે. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ આનંદ જ નથી. સત્સંગ સિવાય કોઈ આનંદ જ નથી. વર્ષો સુધી ભગવાનનાં ચરિત્રો અને ઉપદેશ સાંભળે તોય નવાં જ લાગે. જોગી મહારાજની આજ્ઞાથી અહીં મંદિરે રવિવારે બધા ઉત્સાહ-ઉમંગથી આવી પણ જાય છે. બહુ દૂર દૂરથી આવવું પડે છે, છતાં પણ બાળકો-યુવકો બધાં આવે છે તો એ મહિમા છે, એવો મહિમા નિરંતર રહેવો જોઈએ, ૨૪ કલાક. '
‡ જ્યારે દુઃખ આવે ત્યારે :
'સુખ અને દુઃખ બંને ભેગાં આવવાનાં છે. જ્યારે સુખ આવે ત્યારે ભગવાને બહુ કૃપા કરી એમ થાય અને પછી જ્યારે દુઃખ આવે તો ભગવાને રક્ષા ન કરી, એવો વિચાર આવે. પણ સુખદુઃખ બેયમાં એક જ વિચાર રાખવોઃ સુખ આવ્યું કે દુઃખ આવ્યું, બધું જ ભગવાનની ઇચ્છાથી આવ્યું. એમની ઇચ્છાથી દુઃખ કેમ આવ્યું? હજી આપણે કાચા ભક્ત છીએ કે પાકા ભક્ત એ જોવા માટે. વિદ્યાર્થીની તેજસ્વિતા તો પરીક્ષામાં બેસે ત્યારે જ ખબર પડે. જે ભણતો હોય એની પરીક્ષા લેવાય. એમ ભગવાન પણ આપણે કેવા ભક્ત છીએ, એ જોવા માટે પરીક્ષા લે છે. દાદાખાચર, પ્રહ્લાદ, મીરાં અને ઘણા ભક્તોની પરીક્ષા લીધી છે. જે ખરેખર સાચા ભક્તો છે, તેમને જ્યારે દુઃખ આવે ત્યારે તે દુઃખને શ્રીજીમહારાજની ઇચ્છા અને પરીક્ષા માનીને સત્સંગ કરે તો સત્સંગનો અભાવ ન આવે, શ્રીજીમહારાજ અને સંતને વિષે મનુષ્યભાવ ન આવે, સત્સંગનો ચઢતો ને ચઢતો રંગ રહે, ગમે તે પ્રશ્ન થાય તોય મન ઢીલું પડે નહીં.'
‡ ધર્મપરિવર્તન નહીં,
સ્વભાવ પરિવર્તન :
'ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પોતાનું ધામ અક્ષર સાથે લઈને આવ્યા. જેમનું નામ ગુણાતીતાનંદ સ્વામી. જે અનાદિના છે ને તેમનામાં જે ગુણ હતા એ પણ અનાદિના છે. આ દુનિયામાં શ્રીજીમહારાજની સાથે અનેક જીવનું કલ્યાણ કરવા માટે પધાર્યા હતા. તેમણે કેટલાય લોકોના સ્વભાવનું પરિવર્તન કર્યું છે. આજે દુનિયામાં ધર્મપરિવર્તન થાય તોપણ એમનાં સ્વભાવ, પ્રકૃતિ, આસક્તિ, મોહ, મમતા તો છૂટતાં જ નથી. જ્યાં સુધી મોહ જાય નહીં, ત્યાં સુધી શાંતિ પણ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ લોકોના આ સ્વભાવોનું પરિવર્તન કર્યું છે, લોકોનાં દૂષણોનું પરિવર્તન કર્યું છે અને સદાચારના માર્ગે વાળ્યા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા– એ સદાચારનો સિદ્ધાંત શ્રીજીમહારાજે આપ્યો અને એ સિદ્ધાંત જેમાં સંપૂર્ણ છે એવા ગુણાતીતાનંદ સ્વામીએ બધે ફરીને લૂંટારુઓને પણ ભક્ત બનાવ્યા, એ કેટલું મોટું પરિવર્તન કહેવાય! લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવું એ કાંઈ વિશેષતા નથી, પણ વિશેષતા તો એ છે કે માણસના સ્વભાવનું પરિવર્તન કરવું કે જેનાથી સમાજમાં શાંતિ થાય. એક જ માણસ પરિવર્તન પામે તો આખા પ્રદેશમાં કેટલી શાંતિ થાય!
ભગવાન અને સંતની રીત લોકોમાં શાંતિ થાય એવી છે. સંપત્તિની સાથે સંસ્કાર હોય, સત્તાની સાથે સંસ્કાર હોય, આવડતની સાથે સંસ્કાર હોય તો એનો સદુપયોગ થાય. પણ દારૂ પીતા હોય અને દારૂના નુકસાનની વાત કરે તો એની છાપ પડે નહીં. વર્તન વાતો કરે. જ્યાં સુધી આપણું અંદરનું પરિવર્તન ન થાય ત્યાં_ સુધી આપણને અને બીજાને પણ સુખ શાંતિ ન થાય. એટલે શ્રીજીમહારાજે જે નિયમ આપ્યા છે એ આપણે દૃઢપણે પાળવા. નિયમ એ આપણા શણગાર છે. એટલે ધર્મનિયમ રાખી જીવન પવિત્ર રાખવું. તો શાંતિ અને સુખ થાય.'
‡ મહત્તા તો શ્રીજીમહારાજની જ...
'અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન શ્રીજીમહારાજ અક્ષરધામમાંથી સાથે લઈને પધાર્યા છે. વચનામૃત ગઢડા પ્રથમના ૭૧ પ્રમાણે આ વાત સમજવી અને બીજાને કહેવી- આ આજ્ઞા શ્રીજીમહારાજની છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે શ્રીજીમહારાજની આજ્ઞા છે એટલે આપણે કામ કરવું જોઈએ. વચનામૃત ગઢડા પ્રથમના ૨૧માં અક્ષરનાં બે સ્વરૂપની વાત છે અને બીજે પણ ઉલ્લેખ આવે છે. શાસ્ત્રીજી મહારાજને એ જ્ઞાન બધે પ્રવર્તે એ માટે દૃઢતા હતી. એમને કાંઈ પૂજાવું નહોતું. પોતે એક સાધુની જેમ જ રહી સાધુતામાં દૃઢ હતા. લોકોમાં મનાવું, પુજાવું, ભગવાન થવું એ તો સંકલ્પ જ નહીં. શ્રીજીમહારાજથી પોતાની મહત્તા અધિક ન થાય એનો પણ ખ્યાલ રાખ્યો છે. કોઈ દિવસ પોતાની મહત્તાની વાત નથી કરી. શાસ્ત્રીજી મહારાજ પોતે એક સેવક તરીકે રહ્યા. સાધુતા અને વૈરાગ્ય રાખીને આ કાર્ય કર્યું છે ત્યારે આ ડંકો વાગ્યો છે. આપણને આ જ્ઞાન મળ્યું છે તો એ બરાબર પચાવવું.'
|
|