Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જ્યારે મુંબઈમાં સત્સંગ પ્રવૃત્તિના હજારો કાર્યકરોનો અવાજ પડઘાયો : 'થઈએ યોગી જેવા...'

વિશ્વમાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રસર રહેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની કરોડરજ્જુ  એટલે હજારો સમર્પિત કાર્યકરો. યોગીજી મહારાજના સંકલ્પે તૈયાર થયેલા આ કાર્યકરો વિશ્વના ખૂણેખૂણે સત્સંગ પ્રવૃત્તિની સેવા બજાવી રહ્યા છે. યોગીજી મહારાજે સિંચેલા સંસ્કાર અને જ્ઞાનની દૃઢતા માટે મુંબઈના યુવા અને સમસ્ત સત્સંગ પ્રવૃત્તિના ૧૨૦૦ જેટલા કાર્યકરોની પ્રેરણા શિબિર પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તા. ૨૨-૯-૦૬ના રોજ મુંબઈમાં યોજાઈ હતી. શિબિરનો મધ્યવર્તી વિચાર હતો : થઈએ યોગી જેવા.
યોગી સભાગૃહમાં યોજાયેલી આ શિબિરમાં કાર્યકરોએ પ્રશ્નોત્તરી દ્વારા વિવેકસાગર સ્વામી પાસેથી યોગીજી મહારાજ રાજી થાય તેવા ગુણ કેળવવા શું કરવું જોઈએ તેનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. તદુપરાંત યોગીજી મહારાજના આદર્શો, ઉપદેશો અને રુચિને આત્મસાત્‌ કરનારા પ્રેરણાદાયી કાર્યકરોનો પરિચય સભા સમક્ષ કરાવવામાં આવ્યો. તે સૌને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ યોગીજી મહારાજના આદર્શોને રજૂ કરતી એક સ્કીટ રજૂ કરવામાં આવી.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે 'આપણા જીવનમાં આળસ અને પ્રમાદ એ બે શત્રુ છે. 'ન જઈએ તો ચાલશે' એ આળસનો વિચાર અને 'થાય છે, કરીએ છીએ, શું ઉતાવળ છે?' એ પ્રમાદનો વિચાર. જેમ લૌકિક પ્રાપ્તિનું મહત્ત્વ સમજીએ છીએ એમ આ સત્સંગના કાર્યમાં પણ ખટકો રાખવો જોઈએ.
સૌને વિચાર છે- થઈએ યોગી જેવા... પણ યોગીજી મહારાજ જેવા આપણે કેવી રીતે બનાય? જોગી મહારાજ તો સાક્ષાત્‌ અક્ષરધામનો અવતાર હતા, એમના ગુણ આપણામાં આવવા જોઈએ. સત્સંગમાં સેવા, ભક્તિ, કથાવાર્તા જે કાંઈ કરીએ છીએ એ આપણામાંથી અવગુણો જાય અને સદ્‌ગુણો આવે તેના માટે છે. એમના જેવા થવાનું એટલે તેમના જેવો આકાર નહીં, પણ એમનામાં રહેલા કલ્યાણકારી ગુણો આપણામાં આવે તે વાત છે. એ ક્યારે થાય? તો જ્યારે એમની આજ્ઞા પાળીએ અને તે પ્રમાણે સેવા કરીએ ત્યારે થવાય. એમના જે સદ્‌ગુણો છે એ સ્વરૂપ બની જવાનું. આપણે આદર્શ કાર્યકર થવું છે. યોગીજી મહારાજમાં જે કલ્યાણકારી ગુણો છે એ આપણામાં આવે એ આદર્શ કહેવાય.'
ત્યાર બાદ બીજી નાટિકા રજૂ થઈ. તે અંતર્ગત આશિષ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'જોગી મહારાજ કહેતાઃ 'મોળí વાત ક્યારેય કરવી નહીં. મોળી વાત કરો એટલે બીજા દશ જણ ઢીલા પડી જાય. સંકટમાં પણ હિંમતથી કાર્ય કરવું એ બહુ મહત્ત્વની વાત છે. તો એવા જ કાર્યકર્તા જોગી મહારાજને કરવા હતા અને અત્યારે ઘણા થયા છે. કોઈના મહેણાટોણાથી કે સહજ કોઈક બોલી જાય તો સેવામાં મોળા ન પડી જવાય. હંમેશાં ઉત્સાહ રહેવો જોઈએ કે મને બહુ સારી સેવા મળી. અંદર પાવર આવવો જોઈએ. જોગી મહારાજે આજીવન કોઈ મોળી વાત કરી નથી, મોળો સંકલ્પ કર્યો નથી. સત્સંગમાંથી કોઈને પાછા પાડવાની ઇચ્છા થઈ નથી. કોઈ પાછો પડ્યો હોય તો બળ ચડાવે. હેત, પ્રેમથી સત્સંગ કેમ વધે એ કર્યું છે. એ ગુરુના આપણે શિષ્યો છીએ. તો આપણે પણ એક જ વિચાર રાખવો - સહન કરવું એ આપણું કામ છે. ભગવાન અને સંતને રાજી કરવા સહન કરવાનું છે. જોગી મહારાજ જેવા સાચા સંતે આપણને આ માર્ગ બતાવ્યો છે એ નિશાન લેવું છે. એટલે મોળી વાત કરવી નહીં કે સાંભળવી નહીં.'
સમસ્ત મુંબઈના સત્સંગ પ્રવૃત્તિનાં બાળ, યુવા અને મહિલા કાર્યકરોએ શિબિરસભામાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં અમૂલ્ય પ્રેરણા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાથોસાથ, યોગીજી મહારાજ જેવા ગુણ કેળવવાનું ભાથું બાંધી 'થઈએ યોગી જેવા' સંકલ્પને કટિબદ્ધ કર્યો.   

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |