Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈના મહાનુભાવો માણે છે પ્રમુખસ્વામી મહારાજનું પ્રેરક સાંનિધ્ય અને તેમનો સત્સંગ

સ્વામિનારાયણ અક્ષરધામ અને વિશ્વખ્યાતિ પ્રાપ્ત મંદિરોના સર્જક, એક વિશાળ ચારિત્ર્યવાન સમાજના ઘડવૈયા, સામાજિક કાર્યોના પ્રણેતા, ભારતીય સંસ્કૃતિના અર્વાચીન જ્યોતિર્ધર તેમજ સાધુતાસભર દિવ્ય વ્યક્તિત્વના ધારક સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય પ્રભાવથી સમાજના દરેક સ્તરના લોકોનાં હૈયે એક અમીટ છાપ પથરાઈ છે. તાજેતરમાં સ્વામીશ્રીના દિવ્ય કાર્ય અને વ્યક્તિત્વથી પ્રભાવિત મુંબઈ શહેરના વિવિધ ક્ષેત્રના મહારથીઓની એક વિશિષ્ટ સભા પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં તા. ૨૩-૯-૦૬ના રોજ યોગી સભાગૃહમાં યોજાઈ ગઈ.
લગભગ ૨૧૦૦ મહાનુભાવોની ઉપસ્થિતિથી સમગ્ર હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. સંતોના પ્રારંભિક શ્લોકગાન સાથે આરંભાયેલી સભામાં વિવેકસાગર સ્વામીએ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક સંશોધનોના પ્રમાણ તેમજ રસપ્રદ દાખલા-દલીલો દ્વારા મહાનુભાવોને સુખમીમાંસા વિષયક પ્રવચન કરી સાચા સુખનું સરનામું દર્શાવ્યું હતું.  અત્રે પધારેલા મહારથીઓમાંથી કેટલાક માટે અક્ષરધામના સર્જકને પ્રત્યક્ષ નિહાળવાનો પ્રથમ પ્રસંગ હતો. જ્ઞાનવત્સલ સ્વામીના સંબોધન બાદ દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામનો પરિચય આપતી વીડિયો રજૂઆતથી સૌ ખૂબ જ પ્રભાવિત થયા.
અંતમાં, આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'માનવજાતે ઘણો વિકાસ કર્યો છે. વિજ્ઞાને આપણને ખૂબ આપ્યું અને તેના ફાયદા પણ આપણને થયા છે. પાણીમાં વહાણ ચાલતાં થયાં, આકાશમાં પ્લેન ઊડતાં થયાં, માણસો ચંદ્ર સુધી પહોંચી ગયા, ઉદ્યોગો ખૂબ વિકસ્યા, સુવિધાઓ અને બધું ઘણું સરસ થયું છે. આ બધો વિકાસ થયો એ ઘણી સારી વાત છે, પણ એની સાથે સાથે આપણા આત્માની અંદર પણ વિકાસ થવો જોઈએ, જે આપણે કરી શકતા નથી. કારણ કે જેમ સગવડો વધી, સમૃદ્ધિ વધી એમ આપણી અંદરના સ્વભાવો, દોષો, પ્રકૃતિઓ પણ વધી ગયાં. એનાથી રાગદ્વેષ, મારુંતારું, છળકપટ, પ્રપંચ આ બધું કરતા થયા.
આપણામાંથી દોષો, પ્રકૃતિ, સ્વભાવ કેમ જાય એનું અદ્‌ભુત જ્ઞાન ભગવદ્‌ ગીતામાં અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યું છે. તેવી જ રીતે અન્ય સંપ્રદાયના આચાર્યો તથા બધા ધર્મોમાં દરેકે કંઈક સારું જ આપ્યું છે, પણ આપણી જોવાની દૃષ્ટિ નથી. દરેકની અંદર સારું છે, પણ આપણામાં એ દૃષ્ટિ નથી. માણસમાં કદાચ ૯૯ અવગુણ હશે, પણ એક ગુણ પણ સારો તો હશે જ. તો આપણી દૃષ્ટિ એના સારા કાર્ય પર રહે એ જોવાનું. અવગુણ જોવામાં કોઈ ફાયદો નથી, જેટલું ખરાબ જોશો એટલું ખરાબ આપણામાં આવશે અને જેટલું સારું જોશો એટલું સારું આવશે.
સૂર્યને એમ નથી થતું કે આ ખરાબ માણસ છે તો પ્રકાશ ન આપું. એને કોઈ ભેદભાવ નથી. આૅક્સિજન ન હોય તો આપણો દેહ પડી જાય, પણ ભગવાને વિનામૂલ્યે આૅક્સિજન આપ્યો છે. વહેતી નદીઓ પોતાના ઉપયોગ માટે કોઈને ના નથી પાડતી. તો ભગવાનનો આટલો બધો ઉપકાર છે તો ભગવાનને આપણે ભૂલવા ન જોઈએ. ધંધો-રોજગાર કરો, પણ ભગવાનને આગળ રાખીને કરો.'
સ્વામીશ્રીએ અદ્‌ભુત પ્રેરણાવચનો કહ્યાં. સૌ માટે આ નવતર અનુભવ હતો. સૌનાં મુખ ઉપર આજની સભાનો આનંદ ઝળહળી રહ્યો હતો. એમાં પણ છેલ્લે વ્યક્તિગત રૂપે ઘણી વ્યક્તિઓને સ્વામીશ્રી શાંતિથી મળ્યા. એ લાભ સૌ માટે વિશેષ સ્મૃતિદાયક હતો. આ વિશિષ્ટ સભાના આયોજનમાં સ્થાનિક સંતો અને વ્યવસ્થાપકોએ સુંદર આયોજન કર્યું હતું. અહીં પધારેલા મહાનુભાવોના ડ્રાઇવરોને પણ સંદેશો મળી રહે એ માટે વ્યસનમુક્તિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેના પરિણામે ૮૦ જેટલા ડ્રાઇવરોએ વ્યસન મૂકવાનો નિર્ણય પણ લીધો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |