|
બી.એ.પી.એસ. શતાબ્દી ઉપક્રમે યોગયજ્ઞ આશિષ
તા. ૧૫-૧૦-૦૬ના રોજ મુંબઈમાં સંધ્યાસભામાં પધારતા પૂર્વે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે આજની સભામાં હરિભક્તોને બી.એ.પી.એસ. શતાબ્દી નિમિત્તે યોગયજ્ઞના વિશિષ્ટ નિયમગ્રહણનો કાર્યક્રમ હતો. તે નિમિત્તે દર્શન કરતાં સ્વામીશ્રીએ યોગયજ્ઞના નિયમો સમગ્ર વિશ્વના હરિભક્તો સારી રીતે પાળી શકે, એ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
સંધ્યાસભામાં સંતોએ સૌને યોગયજ્ઞનો મહિમા અને રીત વર્ણવ્યાં બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'સંસ્થાના શતાબ્દી ઉત્સવ નિમિત્તે યોગયજ્ઞના નિયમોનું આયોજન કરવામાં આવ્યું છે. એ દેશ-પરદેશ જ્યાં પણ રહેતા હોય ત્યાં નાના-મોટા, બાઈ-ભાઈઓ બધાને માટે છે. પોતાની શક્તિ પ્રમાણે સમયાનુસાર જેટલા થઈ શકે એટલા જરૂર કરવા. આ નિયમ પાળવા શ્રદ્ધા અને મહેનત જોઈએ. આ નિયમો ભગવાનની પ્રસન્નતા માટે છે. આ નિયમો મળ્યા છે એ ભગવાનની કૃપા માનવી. કારણ કે આપણે વ્યવહાર-સંસારમાં પડ્યા છીએ, એમાં આટલું આપણે કરીશું તો અનંત જન્મની મુશ્કેલી ટળી જાય. એક વરસ કરવાથી અનંત જન્મની મુશ્કેલીઓ ટળી જાય અને સુખિયા થઈ જવાય એવો મહિમા છે.
પાણીનું એક એક ટીપું પડે તો મોટું સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. થોડું થોડું પણ બહુ મોટું કામ થઈ જાય, તો વિશ્વાસ-શ્રદ્ધા રાખીને મહારાજના નિયમો પાળજો. એમાં બીજાને પ્રેરણા આપવી, એ પણ આપણી મોટી સેવા છે, તો આવા કાર્યથી આપ બધાને ખૂબ શાંતિ-સુખ થાય, ભગવાનની કૃપા થાય.'
|
|