|
સ્વામીશ્રીની અને બાળકોની જુગલબંધી : સ્વામીશ્રીના સાંનિધ્યમાં બાળદિન
આવતી કાલના નાગરિક એવાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મુંબઈ બાળમંડળ દ્વારા અભૂતપૂર્વ બાળદિન યોજાયો હતો. ટી.વી.ની આભાસી દુનિયા કરતાં અસલ દુનિયાની મજા કેવી હોય છે? ટી.વી.ના વળગણ અને વ્યસનમાંથી બાળપેઢી કઈ રીતે બહાર નીકળી શકે અને કઈ કઈ પ્રેરણા મેળવી શકે ? એ વાતને રજૂ કરતો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ 'એના વગર ના ચાલે' રજૂ કરવામાં આવ્યો હતો. નૃત્ય અને સંવાદો દ્વારા પ્રસ્તુત અભિવ્યક્તિ અસરકારક રહી હતી.
ટી.વી. જોવામાં વિવેક રાખવાની એ વાત માબાપ અને બાળકોના નિર્દોષ મનમાં પણ વસી જાય એવા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પછી આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'ટી.વી. એ મહારાક્ષસ છે. આખી દુનિયાને ટી.વી.એ પોતાના ચેલા બનાવી દીધા છે. આપણે તો ભગવાનના ચેલા - ભક્ત છીએ તો એમાં આપણે નહીં લેવાવાનું. આજે બાળકોએ સારો સંવાદ રજૂ કર્યો. નાનપણથી જ ભજન-સ્મરણ કરવાનું છે. અભ્યાસ સારામાં સારો કરવાનો, સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને માતાપિતાની, સમાજની, રાષ્ટ્રની સેવા થાય, ભગવાનની સેવા સારામાં સારી થાય એ બધું કરવાનું છે. પણ જો ટી.વી.ની ઝ _ઝ ટમાં પડીએ અને ખોટી સોબતવાળા છોકરાઓ જોડે ફરીએ તો આ બધું જતું રહે. ભગવાનને રાજી કરવા હોય તો આપણી ગમતી વસ્તુ મૂકી દેવી પડે. ટી.વી. તમને ગમે છે, પણ ભગવાનને કે જોગી મહારાજને ગમતું નથી. એટલે એ ન જોઈએ તો તે રાજી થાય. તમે નાની ઉંમરથી બરાબર દૃઢતા રાખશો તો તમારે લઈને કેટલાય યુવકો તૈયાર થશે.'
હજારો હરિભક્તોથી હકડેઠઠ છલકતી સભામાં જાણે કે બાળકો અને સ્વામીશ્રી જ રહ્યા હોય એવી રીતે સંવાદાત્મક આશીર્વાદ આપીને સ્વામીશ્રીએ સૌને સ્મૃતિ આપીને બાળદિનને સાર્થક કર્યો. સભાને અંતે આ સંવાદના લેખક અક્ષરકીર્તન સ્વામી અને દિગ્દર્શક જયેન્દ્રભાઈ કલ્યાણીનું પણ સન્માન કરવામાં આવ્યું.
|
|