|
આજથી સો વર્ષ પૂર્વેનો શાસ્ત્રીજી મહારાજનો યુગ લંડનમાં પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સજીવન થયો
આજથી ૧૦૨ વર્ષ પૂર્વે, કાર્તિક વદ ૧, વિક્રમ સંવત ૧૯૬૧ના રોજ ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલી શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વરતાલથી પ્રસ્થાન કર્યું હતું. તેની સ્મૃતિ સાથે લંડનમાં વિશિષ્ટ આર્ષ દિન તા. ૬-૧૧-૨૦૦૬ના રોજ ઊજવાયો હતો.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આર્ષદૃષ્ટિને ઊજવવાનો આજનો દિવસ હતો, તેમના પ્રસ્થાનનો. અક્ષરપુરુષોત્તમ ઉપાસનાને કાજ ભૂતળમાં પ્રગટેલા શાસ્ત્રીજી મહારાજે શૂન્યમાંથી સર્જન કરવા માટે વરતાલથી નીકળ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે નિષ્ઠા, સમર્પણ, સાધુતા અને હરિકૃષ્ણ મહારાજ હતાં. અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે શાસ્ત્રીજી મહારાજ નિશ્ચિત અને નિશ્ચિંત હતા. તેઓના પ્રતાપે આજે સો વરસ પછીનો માહોલ કાંઈક જુદો છે.
તા. ૬-૧૧-૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ લંડનની ધરતી ઉપર વિરાજેલા અક્ષરપુરુષોત્તમ મહારાજની સામે ઊભા છે. મધ્ય ખંડમાં વરતાલના હનુમાનવાળા દરવાજાનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું અને ઘુમ્મટમાં આજથી સો વરસ પહેલાનો માહોલ ખડો કરવામાં આવ્યો હતો. કિશોરભાઈ મુખીના ગાડામાં શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન છે અને તેઓના સમર્થક મુઠ્ઠીભર સંતો ખભે પોટલાં લઈને માથે ફાળિયાં બાંધીને તૈયાર છે, તે દૃશ્યને સજીવન કરતા લંડનના સંતોõ ખભે ઝોળી લઈને ઊભા હતા. એ જમાનાનો પરિવેષ ધારીને હરિભક્તો પણ ઊભા હતા. સો વર્ષ પહેલાના પ્રસ્થાનના આ દૃશ્યને નીરખતાંવેંત સ્વામીશ્રી ભાવાર્દ્ર બની ગયા. મુખારવિંદ ઉપર શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની કૃતજ્ઞતા ઝળકી રહી. પૂજારી મંગલતીર્થ સ્વામીએ એ જ શૈલીમાં સ્વામીશ્રીને ફાળિયું બાંધી દીધું અને સ્વામીશ્રી પણ આ મહાભિનિષ્ક્રમણની સ્મૃતિયાત્રામાં જોડાયા. આંખોમાં વરતાઈ રહેલા સતત કૃતજ્ઞતા, ભાવાર્દ્રતા, સમગ્ર પરિસરને ભક્તિ-આર્દ્ર બનાવતા જતાં હતાં. કેટલાક સંતો માથે પોટલાં લઈને ચાલતા હતા અને એ રીતે ધીમે ધીમે એ દિવ્ય સ્મૃતિયાત્રાનો પ્રારંભ થયો.
ભક્તિકીર્તનની રમઝટ સાથે સૌ ચાલતાં ચાલતાં મંદિરના સભાગૃહમાં આવ્યા. અહીં કીર્તનમાં કડી આવી -'યજ્ઞપુરુષ છે સાથે.' આ સાંભળતાં સ્વામીશ્રીએ હાથ ઊંચા કરીને એ કડીને ત્રણ વખત પુનરાવર્તિત કરી. ગુરુમૂર્તિ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ એ સમયનાં કપરાં દૃશ્ય ખડાં કરવામાં આવ્યાં હતાં. એક બાજુ ઘાસતેલના ડબ્બામાં ખીચડી રંધાઈ રહી હતી, તો એક બાજુ માગીભીખીને આવેલા દાણાના રોટલા બની રહ્યા હતા. એકબાજુ ઘંટીમાં અનાજ દળાઈ રહ્યું હતું. એ વિકટ પરિસ્થિતિમાં પણ હસતે મુખે શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું જે કાર્ય કર્યું એ યુગ સ્વામીશ્રીના મુખ ઉપર પણ ડોકાઈ રહ્યો હતો. અહીં દર્શન કરીને સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા.
સંતોએ આજના દિવસની વિશિષ્ટ સ્મૃતિ કરાવતાં શાસ્ત્રીજી મહારાજના અપ્રતિમ મહિમાનાં કીર્તનો ગાયાં અને પૂજા પછીનું દૃશ્ય પણ અદ્ભુત હતું. સ્વામીશ્રી મંચ ઉપરથી નીચે પધાર્યા, ત્યાં શાસ્ત્રીજી મહારાજ જાણે કે મહાભિનિષ્ક્રમણ કરતા હોય એવું દૃશ્ય પ્રારંભાયું. સ્વામીશ્રીની દિવ્ય લીલાનાં દર્શન કરવાનાં સૌ સદ્ભાગી બન્યા હતા. ફાળિયું બાંધેલા સ્વામીશ્રી 'યજ્ઞપુરુષને દ્વાર' ડંકા દેતાં દેતાં લટકાં કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. પાછળ હતા તેઓના સમર્પિત ફાળિયાધારી સંતો અને અગ્રણી હરિભક્તો. અનેકનાં હૈયાંમાં નિષ્ઠા અને સમર્પણના દીપ પ્રગટી ઊઠે એવું અદ્ભુત વાતાવરણ ખડું થયું હતું. સ્વામીશ્રી માઇક વગર જ સભાને સંબોધતાં આ પ્રસંગે બોલી ઊઠેલા, 'આજે સો વરસ થયાં. એ વખતે સંતો-હરિભક્તો સ્વામીની સાથે નીકળી પડ્યા હતા. શૂરવીર હતા એ નીકળી પડ્યા હતા. આજે સો વરસ થયાં છે. સો વરસ સુધી ચાલ્યું અને હવે બીજુ _ હજારો વર્ષ સુધી ચાલે એ માટે સંતો અને હરિભક્તો આવી ને આવી શૂરવીરતા રાખજો.'
|
|