|
લંડનમાં પ્રમુખસ્વામી મહારાજની અધ્યાત્મવર્ષા
ભાગ્ય કરતાં પણ ïવધુ અને ધાર્યા કરતા પણ વિશેષ સત્સંગ સુખ પ્રાપ્ત થયાની લાગણી યુ.કે.ના એકેએક હરિભક્ત પ્રમુખસ્વામી મહારાજના ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૬ના રોકાણ દરમ્યાન અનુભવી રહ્યા હતા. દીપાવલી અને અન્નકૂટ પર્વની ઉજવણી પછી પણ સ્વામીશ્રીના સાંનિધ્યમાં લંડનવાસીઓએ વિવિધ ઉત્સવોની શૃંખલામાં સેવા અને ભક્તિનો અદ્ભુત લાભ લીધો હતો. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઊજવાતા ઉત્સવો અને સત્સંગ સભાનો લાભ લેવા ભારત તથા યુરોપ અને અમેરિકાથી પણ સંતો-હરિભક્તો પધાર્યા હતા. સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શને હજારો હરિભક્તો ઊમટતા હતા. તેમજ સંધ્યાસભામાં કોઠારી સ્વામી, વિવેકસાગર સ્વામી અને સત્યપ્રકાશ સ્વામીનાં મનનીય પ્રવચનો ઉપરાંત લંડન સત્સંગમંડળ આયોજિત વિવિધ કાર્યક્રમો પણ રસપ્રદ હતા. આ સાથે, સ્વામીશ્રીએ સંધ્યાસભામાં વર્ષાવેલી અધ્યાત્મવર્ષા સૌને આધ્યાત્મિકતાની ઊંચી ભૂમિકાએ લઈ જતી હતી. એ અધ્યાત્મગંગાના રસબિંદુઓનું રસપાન કરીએ...
નિત્ય ભજન, નિત્ય આનંદ
'ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે ભગવાનના ભક્ત છે એને ભગવાનનાં ભજન, કીર્તન કરતાં કરતાં ઘણા દિવસ થાય તો પણ જાણે એક ક્ષણ જ વીતી હોય તેવું લાગે છે. ભક્તને તો ભજન કરવામાં સમય ક્યાંય પસાર થાય તે ખબર જ ના પડે. ભજન-ભક્તિ વગર એક ક્ષણ જાય તો વરસો વીત્યા હોય તેવું લાગે. એટલે શ્રીજીમહારાજે કહ્યું છે કે કથાવાર્તા, કીર્તન, ભક્તિ, નૃત્ય, સંવાદ આ બધું કરતાં જ રહેવું અને એનાથી તૃપ્તિ થઈ એમ માનવું નહીં. નિત નિત ભગવાનની મૂર્તિના દર્શન અને સંતોના મુખે કથાવાર્તાનો સંગ રાખવો જ, ભલે એની એ જ વાત હોય, પણ મહિમાએ સહિત ભક્તિ અને પ્રેમ હોય તો એ નવીન જ લાગે, આનંદ જ આવે.
જેમ રોજ જમવાનું એનું એ જ હોય છે, તો પણ આનંદ આવે છે. એમ કથાવાર્તામાં એના એ જ શબ્દો હોય, પણ એ શબ્દો કોના છે? ગુણાતીતનાં વચનો અને શ્રીજીમહારાજના શબ્દો. એ શબ્દો જીવનને સ્પર્શે તો આપણું કામ થઈ જાય એવું છે. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ આનંદ જ નથી. સત્સંગ સિવાય કોઈ આનંદ જ નથી. વર્ષો સુધી ભગવાનનાં ચરિત્રો અને ઉપદેશ સાંભળે તોય નવી જ લાગે. જોગી મહારાજની આજ્ઞાથી અહીં રવિવારે બધા ઉત્સાહ-ઉમંગથી મંદિરે આવી જાય છે. બહુ દૂર દૂરથી આવવું પડે છે, છતાં પણ બાળકો-યુવકો બધા આવે છે તો એ મહિમા છે, એવો મહિમા નિરંતર રહેવો જોઈએ, ૨૪ કલાક. '
જ્યારે દુઃખ આવે ત્યારે...
'સુખ અને દુઃખ બંને ભેગું આવવાનું છે. જ્યારે સુખ આવે ત્યારે ભગવાને બહુ કૃપા કરી એમ થાય અને પછી જ્યારે દુઃખ આવે તો ભગવાને રક્ષા ન કરી, એવો વિચાર આવે. પણ સુખદુઃખ બેયમાં એક જ વિચાર રાખવો. સુખ આવ્યું કે દુઃખ આવ્યું, બધું જ ભગવાનની ઇચ્છાથી આવ્યું. એમની ઇચ્છાથી દુઃખ કેમ આવ્યું? હજી આપણે કાચા ભક્ત છીએ કે પાકા ભક્ત એ જોવા માટે. વિદ્યાર્થીની તેજસ્વીતા તો પરીક્ષામાં બેસે ત્યારે જ ખબર પડે. જે ભણતો હોય એની પરીક્ષા લેવાય. એમ ભગવાન પણ કેવા આપણે કેવા ભક્ત છીએ, એ જોવા માટે પરીક્ષા લે છે. દાદાખાચર, પ્રહ્લાદ, મીરાં અને ઘણાં ભક્તોની પરીક્ષા લીધી છે. જ્યારે દુઃખ આવે ત્યારે તે દુઃખને શ્રીજીમહારાજની ઇચ્છા અને આપણી પરીક્ષા છે એમ માનીને સત્સંગ કરે તો સત્સંગનો અભાવ ન આવે, શ્રીજીમહારાજ અને સંતને વિષે મનુષ્યભાવ ન આવે. સત્સંગનો ચઢતો ને ચઢતો રંગ રહે, મન ઢીલું પડે નહીં.'
ધર્મપરિવર્તન નહીં સ્વભાવ પરિવર્તન
'આ દુનિયામાં અનેક જીવનું કલ્યાણ કરવા માટે શ્રીજીમહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા હતા. તેમણે કેટલાય લોકોના સ્વભાવનું પરિવર્તન કર્યું છે. આજે દુનિયામાં ધર્મપરિવર્તન કરે છે, પરંતુ તેનાથી એમના સ્વભાવ, પ્રકૃતિ, આસક્તિ, મોહ, મમતા તો છૂટતા જ નથી. જ્યાં સુધી સ્વભાવ-મોહ જાય નહીં, ત્યાં સુધી શાંતિ પણ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ લોકોના આ સ્વભાવોનું પરિવર્તન કર્યું છે, લોકોનાં દૂષણોનું પરિવર્તન કર્યું છે અને સદાચારના માર્ગે લોકોને વાળ્યા છે. સ્વામીએ લૂંટારુંઓને પણ ભક્ત બનાવ્યા, એ કેટલું મોટું પરિવર્તન કહેવાય! લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવું એ કાંઈ વિશેષતા નથી, પણ વિશેષતા તો એ છે કે માણસના સ્વભાવનું પરિવર્તન કરાવવું, જેનાથી સમાજમાં શાંતિ થાય. એક જ માણસ પરિવર્તન પામે તો આખા પ્રદેશમાં શાંતિ થાય.
ભગવાન અને સંતની રીત જગતમાં શાંતિ થાય એવી છે. સંપત્તિની સાથે સંસ્કાર હોય, સત્તાની સાથે સંસ્કાર હોય, આવડતની સાથે સંસ્કાર હોય તો એનો સદુપયોગ થાય. પણ દારૂ પીતા હોય અને દારૂના નુકસાનની વાત કરે તો એની છાપ પડે નહીં. વર્તન વાતો કરે. જ્યાં સુધી આપણું અંદરનું પરિવર્તન ન થાય ત્યાં_ સુધી આપણને અને બીજાને પણ સુખ-શાંતિ ન થાય.
એટલે શ્રીજીમહારાજે જે નિયમ આપ્યા છે એ આપણે દૃઢપણે પાળવા. નિયમ એ આપણા શણગાર છે.'
મહત્તા તો શ્રીજીમહારાજની જ...
'શાસ્ત્રીજી મહારાજને શ્રીજીમહારાજનું જ્ઞાન બધે પ્રવર્તે એ માટે દૃઢતા હતી. એમને કાંઈ પૂજાવું નહોતું. પોતે એક સાધુની જેમ જ રહી સાધુતામાં દૃઢ હતા. લોકોમાં મનાવું-પૂજાવું-ભગવાન થવું એ તો સંકલ્પ જ નહીં. શ્રીજીમહારાજથી પોતાની મહત્તા અધિક ના થાય એનો પણ ખ્યાલ રાખ્યો છે. કોઈ દિવસ પોતાની મહત્તાની વાત નથી કરી. શાસ્ત્રીજી મહારાજ પોતે એક સેવક તરીકે રહ્યા. સાધુતા અને વૈરાગ્ય રાખીને આ કાર્ય કર્યું છે ત્યારે આ ડંકો વાગ્યો છે. આપણને આ જ્ઞાન મળ્યું છે તો એ બરાબર પચાવવું તો આપણો બેડો પાર છે.'
- વૃક્ષની ડાળે બાઝેલા મધપૂડામાં જેમ મધમાખીઓ મધનો સ્વાદ લૂંટતી હોય તેમ લંડનના બી.એ.પી.એસ. મંદિરમાં સ્વામીશ્રીનાં દર્શનરસ માણનારા પ્રેમી હરિભક્તોનો જમેલો જામતો. મંદિરના ખંડોમાં દર્શન કરવા પધારતા સ્વામીશ્રી સમક્ષ આબાલવૃદ્ધ આ હરિભક્તો વિધવિધ ભક્તિ અભિનય કે સંવાદ સાંધીને સ્વામીશ્રીને રાજી કરતા. સ્વામીશ્રી પણ તેમની પ્રેમી ભક્તિથી રાજી થઈ આશીર્વાદ વરસાવતા.
- લંડનના યુવકોએ તા. ૪-૧૧-૦૬ના રોજ સત્સંગ સભામાં સ્વામીશ્રી સમક્ષ સત્સંગ શિક્ષણ પરિક્ષાના મૂલ્યને ઊજાગર કરતો સુંદર સંવાદ 'કરો કંકુના' રજૂ કર્યો હતો. જેમાં સત્સંગ શિક્ષણ પરીક્ષાની આવશ્યકતા અને તેની ફળશ્રુતિને વિશિષ્ટ રીતે રજૂ કર્યાં હતાં.
- સ્વામીશ્રીના લંડન ખાતેના આગમન અને તેમના સાંનિધ્યમાં ઊજવાયેલાં પર્વોને સંકલિત કરેલી સ્વામિનારાયણ અક્ષરપીઠ પ્રસ્તુત ડિવીડિ 'સત્સંગદર્શન-૭૨'નું ઉદ્ઘાટન તા. ૭-૧૧-૦૬ના રોજ સત્સંગ સભામાં લંડનના યુવકોએ સ્વામીશ્રી પાસે કરાવ્યું હતું.
- સત્સંગમાં હેત
મુલાકાતકક્ષમાં સ્વામીશ્રી પાસે એક કિશોર આવ્યો હતો. લંડનના કિશોરના જીવનમાં અવસ્થા પ્રમાણે સ્થાનિક વાતાવરણનો પ્રભાવ પણ વધી ગયો હતો. સ્વામીશ્રીએ પ્રેમથી એને પાછો વાળ્યો અને પૂછ્યું, 'માંસનું કેમ છે?'
'કો'ક કો'ક વખત લઈ લઉં છું.'
સ્વામીશ્રીએ લાગણીપૂર્વક એ કિશોરને વાત કરતાં કહ્યું, 'માણસનો ધર્મ છે કે બીજા જીવો જીવે એ માટે પ્રયત્ન કરવો. માણસ એને જ કહેવાય. એ રીતે જીવીએ તો જ જીવનની સફળતા કહેવાય. બાકી બીજાને મારી નાખીને આપણે ખાઈ જઈએ તો માણસાઈ કઈ રીતે કહેવાય? આપણા સ્વજનને કોઈ મારીને ખાય તો આપણને કેવું લાગે? જેમ આપણને દુઃખ થાય છે એમ, પશુઓમાં પણ જીવ છે. એને પણ બાળક ઉપર પ્રેમ છે. ગાય એ વાછરડાને કેવું ચાટે છે! આવાં પશુ-પક્ષીઓને મારી નાખીએ તો એમાં આપણી માણસાઈ શું? પાપ લાગે. એટલે આજે તું ભગવાન પાસે આવ્યો છે તો આટલું કરજે. દારૂ, માંસ કે સિગારેટ નકામા જ છે. એ બધું જ છોડી દે જે.'
સ્વામીશ્રીના લાગણીપૂર્વકના આવાં હેતભર્યાં વચનોથી એ કિશોરે કહ્યું, 'સ્વામી, આજથી બધું જ મૂકી દઉં છું.'
સ્વામીશ્રીની હેતલગંગાએ આવા અનેક માર્ગ ભૂલેલા યુવાનોને જીવનની સાચી દિશા પર સહજતાતી વાળ્યા છે.
(તા. ૧૬-૧૧-૦૬, લંડન)
|
|