|
ઈંગ્લેન્ડની સત્સંગયાત્રા કરી ભારત પધારેલા સ્વામીશ્રીનું ગાંઘીનગરમાં ભાવભીનું સ્વાગત
ઈંગ્લેન્ડના હરિભક્તોને એક મહિના પછી સુધી સત્સંગનું દિવ્ય સુખ આપી પ્રમુખસ્વામી મહારાજ તા.૧૮-૧૧-૦૬ના રોજ ભારત પધાર્યા હતા. એમાં પણ વિક્રમ સંવતના નૂતન વર્ષનાં પ્રથમ દર્શન માટે અમદાવાદ અને ગાંધીનગરના હરિભક્તો સદ્ભાગી બન્યા હતા. મધ્યાહ્ને પોણા બાર વાગે સ્વામીશ્રી અમદાવાદ ખાતે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એરઇન્ડિયાના હવાઈ જહાજ દ્વારા પધાર્યા. અહીંથી ગાંધીનગર પધાર્યા ત્યારે અક્ષરધામ ખાતે સ્વામીશ્રીના સ્વાગત માટે સૌ ભક્તિભાવથી થનગનતા હતા. બપોરના સમયે સ્વામીશ્રીનાં પ્રથમ દર્શન માટે એરપોર્ટ તથા ગાંધીનગર ખાતે અનેક હરિભક્તો ઊમટ્યા હતા. સ્નાનાદિકથી પરવારીને સ્વામીશ્રી હરિમંદિરે દર્શને પધાર્યા. અહીં જ વિશાળ સભાગૃહમાં પ્રાતઃપૂજા કરી. ત્યાર બાદ સમગ્ર સત્સંગસમુદાય વતી ઈશ્વરચરણ સ્વામીએ ઠાકોરજીનો પ્રસાદીભૂત ગુલાબનો હાર સ્વામીશ્રીને અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આનંદસ્વરૂપ સ્વામી, વિશ્વવિહારી સ્વામી તથા જ્ઞાનેશ્વર સ્વામીએ પણ સ્વામીશ્રીને હાર અર્પણ કરી વધાવ્યા.
સ્વામીશ્રીએ તા. ૧૮થી ૨૫ નવેમ્બર, ૨૦૦૬ સુધી ગાંધીનગર ખાતે વિરાજીને સૌને સત્સંગસુખ આપ્યું હતું. સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શને તથા સાંયસભામાં સ્વામીશ્રીના આશીર્વચન સાંભળવા ગાંધીનગર તથા અમદાવાદના હરિભક્તો ઊમટતા હતા. સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણ કથામૃતનો લાભ આપ્યો હતો. અત્રે સ્વામીશ્રીની અમૃતવાણીનું આચમન કરીએ...
નિયમ પાળવાથી આત્માની શુદ્ધિ થાય
શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં અક્ષરપુરુષોત્તમ સંસ્થાનું સ્થાપન કર્યું એને સો વર્ષ થાય છે તો એ ઉત્સવ ઊજવવા માટે દરેક હરિભક્તને ઉત્સાહ છે. આ ઉત્સવમાં યોગયજ્ઞના નિયમો છે. તેમાં ભગવાનનાં નામસ્મરણ કરવાથી આપણી અંદર ઉજાસ થશે. કારણ કે ભગવાનના નામનો પ્રકાશ છે. પણ મહિમા સમજાય તો. શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોગયજ્ઞના નિયમ અને કથાવાર્તા બધું જ કરવાનો સંકલ્પ રાખવાનો કે શ્રીજીમહારાજ પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન કરવા, તેના જેવું મોટું કોઈ કાર્ય નથી. આપણને શતાબ્દી ઉત્સવ ઊજવવા માટેનો અવસર મળ્યો છે એ આપણાં ભાગ્ય સમજવાં. ભગવાન અને સંતે નિયમો આપણા સુખ માટે આપ્યા છે, એનો કેફ રહેવો જોઈએ. નિયમ પાળવાથી આત્માની શુદ્ધિ થાય.'
સાચા સંતનો સંગ
'સત્સંગ વિના જન્મમરણનો ભ્રમ ટળે નહીં. સત્સંગ થાય, ત્યારે જ્ઞાન થાય છે. જ્ઞાન વગર ગમે ત્યાં અટવાયા કરીએ કે 'આ સારું, આ સારું' એમાં આખી જિંદગી ખલાસ થઈ જાય છે. સંસારમાં આમ જ દોડાદોડ કરીએ છીએ. પણ સારામાં સારા ભગવાન અને સંત છે, એ જ્ઞાન થાય તો બીજે દોડાદોડ મટી જાય. વહેવાર, સંસાર, કામકાજ બધું જ કરીએ, પણ વૃત્તિ ભગવાનમાં રાખવી. દાદાખાચર, લાડુબા, જીવુબા, મીરાંબાઈ બધાંને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ તો સુખિયા થઈ ગયા. સત્સંગથી એવા સુખી થવાય. મહાપુરુષોએ સત્સંગનો અર્થ આ કર્યો છે- સાચા સંતનો સંગ.'
આપણે તો ગુણ જ લેવા
'માણસ માત્રમાં એક ગુણ તો હોય જ છે. બીજા ઘણા અવગુણ હશે, પણ આપણે તો સારું જોવાનું છે, સારું પામવાનું છે. કોઈનામાં સેવાનો, માળાનો, ભજનનો ગુણ હોય છે. ધૂળ જેવા માણસનો પણ ગુણ લેવો, એવું જોગી મહારાજ કહેતા.
જેટલું સારું છે એટલું દેખો તો તમે સારા થવાના છો. બીજાને તમે સારા માનશો તો તમે સારા થવાના છો. બીજાને તમે સુખી કરશો તો તમે સુખી થવાના છો. આપણે એક જ વિચાર રાખવાનો કે બધા સારા છે. ભગવાનના ભક્તો છે. આવી ગુણગ્રાહક દૃષ્ટિ હોય તો આપણા અવગુણ જાય, અને આપણને શાંતિ થઈ જાય.'
|
|