|
અન્નકૂટોત્સવ
તા. ૧૮-૧૦-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ભવ્ય અન્નકૂટોત્સવનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રી બરાબર ૧૧-૩૦ વાગે મંદિર ઉપર પધાયા.ý સ્વામીશ્રી પધાર્યા ત્યારે થાળગાન શરૂ થઈ ચૂક્યાં હતાં. સ્વામીશ્રી પણ એકચિત્તે મહારાજનાં દર્શન કરતાં કરતાં થાળગાનમાં જોડાયા. મંદિરના પરિસરમાં સી.સી.ટી.વી. દ્વારા હજારો હરિભક્તોને સ્વામીશ્રી તેમજ ભવ્ય અન્નકૂટનાં દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
થાળગાનના અંતે સ્વામીશ્રીએ ગોવર્ધન પૂજા કરી અન્નકૂટોત્સવની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી.
ત્યારબાદ સ્વામીશ્રી અક્ષરદેરીમાં પધાર્યા. અહીં અન્નકૂટનાં દર્શન કરી આરતી ઉતારી. જ્યોતિબાપુ અને મહાનુભાવોને પ્રસાદ આપી સ્વામીશ્રી ઉતારે પધાર્યા. સાંજ સુધીમાં સત્તર હજારથી વધુ હરિભક્તો-ભાવિકોએ અન્નકૂટનાં દર્શનનો લાભ લીધો હતો.
નૂતન વર્ષારંભ :
વિક્રમ સંવત ૨૦૬૬ને કારતક સુદ એકમના રોજ નૂતન વર્ષના પવિત્ર પ્રારંભે ગોંડલ મંદિરમાં દિવ્યતાનો માહોલ છવાયો હતો. તા. ૧૯-૧૦-૨૦૦૯ના રોજ નવા વર્ષની વહેલી સવારમાં શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. સ્વામીશ્રી અક્ષર-મંદિરમાં પધાર્યા. અહીં ઠાકોરજીનાં દર્શન કર્યાં, સૌના મંગલની શુભકામનાઓ કરી. શાંતિપાઠના મંગલ ધ્વનિથી સમગ્ર વાતાવરણમાં વિશેષ દિવ્યતા છવાઈ ગઈ. સભામંડપમાં બેઠેલા હજારો હરિભક્તોએ નવા વર્ષે સ્વામીશ્રીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં મંચ ઉપર પધાર્યા ત્યારે સૌએ જયનાદોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. પ્રાતઃપૂજા દરમિયાન સંતોએ કીર્તન-ભક્તિ રજૂ કરી સ્વામીશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
નવા વર્ષે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે નવા વર્ષનો આરંભ થયો. ગોંડલ જેવું પવિત્ર મહાતીર્થ, જ્યાં ગુણાતીતાનંદ સ્વામીનું સમાધિસ્થાન, યોગીજી મહારાજનું પ્રિય સ્થાન કે અહીં રહીને ખૂબ ઉત્સવ-સમૈયા કરી ઘણું સુખ આપ્યું, એ સ્મૃતિ થાય છે. આવા પવિત્ર સ્થાનમાં આજે દેશ-પરદેશથી ઘણા હરિભક્તો પધાર્યા છે. અક્ષરદેરીનાં દર્શન કરશે એટલે આખું વર્ષ શાંતિમય જશે, સર્વના દેશકાળ સારા થશે, જીવનમાં ભગવાનની ભક્તિ દૃઢ થશે ને સુખિયા થવાશે.
શ્રીજીમહારાજે એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો. એકાંતિક ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. દરેકના ધર્મ શિક્ષાપત્રીમાં આપવામાં આવ્યા છે, એ સૌએ પાળવાના છે. વૈરાગ્ય એટલે શરીરના સંબંધો ને પંચવિષયમાં રાગ નહિ તે. રાગ છૂટવો કઠણ છે પણ ભગવાન અને ભગવાનના ભક્ત માટેની ભક્તિ આપણા જીવનમાં દૃઢ થાય તો ક્યાંય રાગ રહે નહીં. ભગવાન અને ભગવાનના સંત ત્યાં જ આપણો રાગ. અંતરનો પ્રેમ ભગવાન અને સંત માટે જ હોય.
દાદાખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેવા ભક્તો થઈ ગયા ને અત્યારે પણ એવા ભક્તો છે જે અખંડ ભગવાનનું ભજન કરે છે. વહેવાર કરવો, પણ જ્ઞાને કરીને સમજવું કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, તો સર્વે મારું-તારું મટી જશે. આવું જ્ઞાન જો દૃઢ થાય તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે અને આપણામાં એકાંતિક ધર્મ સિદ્ધ થશે.
મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા એટલે અધૂરું છે જ નહીં. જોગી મહારાજનું સૂત્ર છે સંપ, સુહૃદભાવ ને એકતા, એટલે બધામાં સંપ-મિત્રભાવ રાખવો. મોટા મોટા ઉત્સવો થયા એમાં પણ સંપ, સુહૃદભાવ અને એકતા જ હતાં.
મહારાજને પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અખંડ થાય. આવો ને આવો પ્રેમ-ઉત્સાહ કાયમ રહે. સૌને એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને સર્વ પ્રકારે મહારાજ સુખિયા કરે અને ભગવાનના ધામને પામીએ એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.'
આશીર્વચન પછી બાલિકા મંડળે બનાવેલો મોરપીંછનો હાર ઘનશ્યામચરણ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યો. ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે શ્રીફળ અને સાકરના કરંડિયા ઉપર પુષ્પવર્ષા કરી સ્વામીશ્રીએ મંચ પરથી વિદાય લીધી.
|
|