|
પાટોત્સવ-દશાબ્દી મહોત્સવ
તા. ૭-૧૨-૦૯ના રોજ છાત્રાલયના પરિસરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છાત્રાલયના પાટોત્સવ તેમજ આણંદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ-દશાબ્દી મહોત્સવનો બેવડો લાભ પ્રાપ્ત કરી સૌ ધન્ય બન્યા હતા. વળી, આજે અંગ્રેજી તારીખ પ્રમાણે સ્વામીશ્રીનો જન્મદિન પણ હતો. વહેલી સવારથી જ ઉત્સવમય વાતાવરણમાં છાત્રો અને હરિભક્તો અનેરા ઉત્સાહથી છલકાતા હતા.
પ્રાતઃપૂજામાં પધારતાં પૂર્વે સ્વામીશ્રીએ રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં તરતા મૂકી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. આજે છાત્રાલયના પાટોત્સવ નિમિત્તે મંદિરમાં ઠાકોરજી સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ મંદિરમાં પધારી ઠાકોરજીની આરતી ઉતારી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રાતઃપૂજા દરમ્યાન સંતો-યુવકોએ કીર્તનગાન દ્વારા ગુરુહરિને ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું.
સંધ્યા સમયે સ્વામીશ્રી આણંદ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. સ્વામીશ્રીના પધારતાં પૂર્વે પાટોત્સવનો વિધિ પૂર્ણ થઈ ચૂક્યો હતો. મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. ઠાકોરજીની આરતી ઉતારી સ્વામીશ્રી દશાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં પધાર્યા.
આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા 'અક્ષર ફાર્મ' ખાતે ભવ્ય ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તો-ભાવિકોથી સભાસ્થળ છલકાતું હતું. સ્વામીશ્રીનાં સમીપ દર્શન થાય તે માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન ગોઠવવામાં આવ્યો હતો. બ્રહ્મવિહારી સ્વામીના પ્રેરક પ્રવચન બાદ અક્ષરજીવન સ્વામી રચિત 'આવો ભક્તો સૌ આવો...' ગીતના આધારે બાળકો અને કિશોરોએ ભક્તિ-નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીના ચરણે ભાવાંજલિ અર્પણ કરી. નૃત્ય બાદ સ્વામીશ્રીએ દીપ પ્રાગટ્ય કરી મંદિરના દશાબ્દી મહોત્સવનો પ્રારંભ કર્યો. ત્યારબાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા.
આજની વિશિષ્ટ સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌ મહાનુભાવોનું વડીલ સંતોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપી સૌને કૃતાર્થ કર્યા.
આશીર્વચનની સમાપ્તિ બાદ ડભાણ ખાતે ઊજવાનાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા, આમંત્રણના પ્રતીક તરીકે સ્વામીશ્રીને કળશ અર્પણ કરવામાં આવ્યો. આણંદ મંદિરના દશાબ્દી મહોત્સવના આરંભના ભવ્ય ઉદ્ઘોષ સાથે આ વિશિષ્ટ સભાની સમાપ્ત થઈ.
|
|