|
વાર્ષિકોત્સવ
તા. ૧૩-૧૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છાત્રાલયના યુવકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરી હતી. ચાર વર્ષના લાંબા વિરામ બાદ સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ આ વિશિષ્ટ સભાનો લાભ લેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સંસ્થાના અન્ય છાત્રાલયમાંથી પણ વિશાળ સંખ્યામાં યુવાનો ઊમટ્યા હતા.
છાત્રાલયની વિશાળ લોનમાં વાર્ષિકોત્સવની આ વિશિષ્ટ સંધ્યા સત્સંગસભાનો આરંભ થયો. અભ્યાસક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓના ઈનામ વિતરણના કાર્યક્રમ દરમ્યાન સ્વામીશ્રી સભામાં પધાર્યા. મંચની ડાબી બાજુએ તૈયાર કરવામાં આવેલા ઉપમંચ પર સ્વામીશ્રી બિરાજ્યા.
સ્વામીશ્રીના આગમન બાદ જ્ઞાનરત્ન સ્વામી લિખિત 'ઘડતર' સંવાદની છાત્રાલયના યુવકોએ પ્રભાવક પ્રસ્તુતિ કરી. વિપરીત સંજોગોમાં પણ નિયમધર્મની દૃઢતા રાખી સંઘર્ષ વેઠનાર યુવાનના જીવનની સત્યઘટના આધારિત સંવાદ નિહાળી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા. સંવાદ બાદ સ્વામીશ્રી મુખ્ય મંચ પર પધાર્યા. વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું :
'આજે છાત્રાલયના વિદ્યાર્થીઓએ સંવાદ રજૂ કર્યો એ અદ્ભુત અને પ્રેરણાદાયક છે. સારા સંસ્કારો હોય તો જીવન ધન્ય બને છે. મા-બાપ જો બાળકને પહેલેથી આવા સંસ્કારો આપે તો બાળક તૈયાર થાય. આજે મા-બાપને એમ થાય કે મારો બાળક હોશિયાર થાય, ખૂબ પૈસા કમાય, જાહોજલાલી ભોગવે, સારી રીતે ધંધા-રોજગાર કરે ને સમૃદ્ધિ મેળવે, પણ આ બધાની સાથે એમાં સારા સંસ્કાર જોઈએ. પૈસા ન હોય તોય માણસ સુખી છે ને પૈસા હોય તોય માણસ દુઃખી છે. દુનિયાની સંપત્તિથી સુખ-શાંતિ નથી.
નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ આ આપણો ખજાનો છે. એ જેટલો હોય એટલી શાંતિ થાય. છાત્રાલયમાં અને કૉલેજોમાં બધી વ્યવસ્થા તો છે જ, પણ જો જીવન સંસ્કારી ન હોય તો એમાંથી શાંતિ ન મળે. સંસ્કારોથી કુટુંબને, સમાજને, દેશને લાભ થાય છે અને ભગવાનની પ્રસન્નતા મળે છે. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને આપણે સાચવવા. જેમ પૈસાનું, ઝવેરાતનું જતન કરો છો એવી રીતે સંસ્કારોનું જતન કરવું.
યુવાનીમાં અભ્યાસ મુખ્ય છે. અભ્યાસ કરીને આગળ વધવું છે ને ભગવાનને રાજી કરવા છે એ ધ્યેય રાખવું. નાટક-સિનેમા કે બીજે રસ્તે ચઢી જવાય તો એનાથી આગળ વધાતું નથી, સુખ આવતું નથી, શાંતિ થતી નથી.
આ સંવાદનો સાર એટલો આપણે લેવાનો છે કે જીવનમાં સુખ ને દુઃખ આવે છે, પણ એમાં ભગવાન કસોટી કરે છે એમ માનવું. કસોટીમાં પણ સંસ્કાર ન મૂકવા, ભગવાન વિષેની આસ્થા ન મૂકવી. આવા સંજોગોમાં પણ નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના બરાબર રાખવાં. યુદ્ધમાં શૂરવીરને બળ આવે ને જીત મેળવે છે, એમ ભગવાને આપણને આ અવસર આપ્યો છે તો એ અવસરને સાચવીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવું. ભગવાનનો આપણા પર મોટો ઉપકાર છે. ઝાડ, પાન, પર્વત ને બધો બગીચો કરવા જાવ તો થાય એવો છે ? ભગવાને પાણી, સૂર્યનો પ્રકાશ ને કેટલી જાતની સગવડ આપી છે! તો આપણે ભગવાનનો ઉપકાર માનીએ ને એમની આજ્ઞા અને નિયમનું પાલન કરી સુખિયા થઈએ એ માટે બધાને આશીર્વાદ છે.'
સૌ છાત્રો અને ભક્તમેદની માટે આ અવસર અવિસ્મરણીય બની રહ્યો.
|
|