યજ્ઞપુરુષ-તીર્થ મહેળાવમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૧૯-૧૨-૨૦૦૯ થી તા. ૨૮-૧૨-૨૦૦૯ દરમ્યાન બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન મહેળાવમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગની વસંત ખીલવી હતી. માત્ર દસ દિવસના ટૂંકા રોકાણ દરમ્યાન સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરી હજારો હરિભક્તો-ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. વિશિષ્ટ વ્રત-તપ તથા પદયાત્રા દ્વારા સંતો-હરિભક્તોએ પ્રાણપ્યારા ગુરુહરિના ચરણે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ્રાતઃપૂજા પૂર્વે મંદિરે દર્શને પધારતા સ્વામીશ્રીના માર્ગમાં બાળકો-કિશોરોએ નૃત્ય તથા પ્રેરક સંવાદો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. મંદિરમાં હનુમાનજી તથા ગણપતિજીની દેરી આગળ મહિલાઓ દ્વારા નિત્ય રચાતી કલાત્મક રંગોળી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડભાણમાં યોજાનાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવના આયોજન અર્થે અહીં યોજાતી મિટિ_ગોમાં સ્વામીશ્રીએ અમૂલ્ય માર્ગદર્શન પાઠવ્યું હતું. વળી, સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલી રવિસત્સંગ સભામાં સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી હજારો મુðમુક્ષુઓ કૃતાર્થ થયા હતા.
તા. ૨૬-૧૨-૦૯ના રોજ સ્વામીશ્રીએ પોર્ટ બીચના હરિકૃષ્ણ મહારાજનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. અહીં સ્વામીશ્રીએ મહેળાવ ખાતે આપેલા વિશિષ્ટ સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૧૯-૧૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ વલ્લભવિદ્યાનગરથી મહેળાવ જવા વિદાય લીધી. વલ્લભવિદ્યાનગરથી મહેળાવ સુધીના માર્ગમાં આવતાં ગામોના પાદરે સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. સૌને દર્શનલાભ આપી સ્વામીશ્રી બરાબર ૬.૫૦ વાગ્યે તીર્થસ્થાન મહેળાવ પધાર્યા.
અંધારું ઢળી ચૂક્યું હતું. મહેળાવના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની બહારના પથની બંને બાજુએ બાળકો ધજા અને દીપ લઈને સ્વામીશ્રીને સત્કારવા ઊભા હતા. સ્વામીશ્રીના આગમનની સાથે જ આ બાળકોએ ધજા લહેરાવી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીને વધાવવા નાનકડા મહેળાવ ગામની શેરીઓમાં માનવમહેરામણ ઊમટ્યો હતો. સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી સૌ ધન્ય બન્યા હતા. સાંકડી શેરીઓમાંથી પસાર થતાં, સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાને પધાર્યા. અહીં સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનાં દર્શન કરી વિશેષ પ્રાર્થના કરી. અહીં પૂજારી તુષાર ભગતે સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
ત્યારબાદ સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બાલ્યાવસ્થામાં માણ વગાડીને જ્યાં કથા કરી હતી એ પ્રાસાદિક ચોરે દર્શન કરવા પધાર્યા. પહોળા ઓટલાવાળા ચોરા ઉપર પ્રદક્ષિણાઓ કરી, ચરણારવિંદ ઉપર પુષ્પ પધરાવી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. અહીં યોજાયેલી સત્સંગસભામાં સ્વામીશ્રીના વિરલ દર્શનની સ્મૃતિઓ સૌના હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ.
જન્મસ્થાને સૌને વિશિષ્ટ સ્મૃતિલાભ આપી સ્વામીશ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. સમગ્ર મંદિરને એલ.ઈ.ડી. લાઇટો વડે શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી પોડિયમ પર પધાર્યા. અહીં મહેળાવના તમામ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. અહીં બેઠેલા ઉપવાસી સંતો-હરિભક્તોને સ્વામીશ્રીએ વિશેષ આશીર્વાદ પાઠવી અપાર પ્રસન્નતા દર્શાવી.
મંદિરના સંતનિવાસની લોનમાં ત્રંબોવાડ ગામના ભજનીકો ભૂંગળ અને નરગા લઈને સ્વાગતના સૂરો છેડી રહ્યા હતા. આ સૌ દરબારો ઉપર અમી દૃષ્ટિ કરી સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
|