|
રવિસત્સંગ સભા
તા. ૧૩-૬-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિ સત્સંગસભા યોગીજયંતી અને પ્રમુખવરણી દિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. આજે વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનું દિવ્ય વાતાવરણ રચાયું હતું. પ્રાતઃ પૂજામાં સ્વામીશ્રીનાં દર્શન તેમજ સભામાં આશીર્વાદનો બેવડો લાભ પ્રાપ્ત કરી સૌ ધન્ય બન્યાં હતા.
નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. સ્વામીશ્રી સભામાં પધાર્યા બાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. પ્રવચન બાદ સ્થાનિક બાળમંડળના બાળકો તેમજ કિશોરોએ 'હૃદિયા ઉલેચીને આવ્યો આવ્યો' એ ભક્તિ નૃત્ય રજૂ કર્યું. નૃત્ય બાદ વડીલ સંતોએ કલાત્મક ચાદર અને પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું : 'રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદ, વચનામૃત આ બધાં શાસ્ત્રોમાં આત્મા ને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ થાય એ વાત છે. જેણે જેણે આ જ્ઞાન સિદ્ધ કર્યું છે એનાં આખ્યાનો સાંભળીએ છીએ. જ્યાં સુધી એ આચરણમાં ન આવે, એ વાતની દૃઢતા ન થાય, એમાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી એ વાતનું સુખ ન આવે, માટે નિરંતર અનુસંધાન રાખવું.
ભૂખ લાગી હોય ત્યારે 'સાટા-જલેબી' એમ બોલવાથી ભૂખ ન જાય, તરસ લાગી હોય ને ગંગા-જમુનાની વાતો કરીએ તો તૃષા છીપે નહીં, પણ જ્યારે એનું પાણી પીએ ત્યારે તરસ છીપે. એમ સત્સંગની વાત, ભગવાનની વાત, આત્મા-પરમાત્માની વાત સાંભળીએ અને તેનું નિરંતર અનુસંધાન રાખીએ તો અંતરે શાંતિ થાય. દરેક કાર્યમાં, દરેક પ્રસંગમાં આપણે ભગવાનના ભક્ત છીએ એવું અનુસંધાન હંમેશા રાખવું. ભગવાને આપેલા નિયમ-ધર્મ બરાબર પાળીએ એટલે ભગવાન રાજી થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જીવનમાં દૃઢ થાય ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ થાય.
ભગવાને કૃપા કરીને ઉત્તમમાં ઉત્તમ મનુષ્યદેહ આપ્યો છે. જેને જ્ઞાન નથી એ આ દેહનો ઉપયોગ ખાવા-પીવા, મોજશોખ, વ્યસન, નાચગાન જોવામાં કરે છે. જેને ભગવાનના જ્ઞાનમાં, ભગવાનની વાતમાં, શાસ્ત્રમાં વિશ્વાસ નથી એટલે તે અવળે માર્ગે ચાલે છે. પણ ભગવાનની વાત, શાસ્ત્રની વાત, સાચી છે. શાસ્ત્રની વાત સાંભળી એનું મંથન કરવું. જે કાર્ય કરવું હોય એની પાછળ નિરંતર વિચાર કરવો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિરંતર વાંચન-વિચાર જોઈએ, એને સાંભળીએ, એના માટે સમય કાઢીએ તો જ્ઞાન આત્મસાત્ થાય. આ વાત જ્યાં સુધી સમજાય નહીં, તેની દૃઢતા ન થાય ત્યાં સુધી મનમાં ડગમગાટ થાય કે સાચું હશે કે ખોટું? 'ડગમગે દિલ જ્યાં લગી, નવ બ્રહ્મ પ્રકાશે રે...' પણ શાસ્ત્રની વાત સત્ય-સનાતન છે.
આ દેહ મારો છે, એ મનાઈ ગયું છે, એને લઈને દુઃખ થાય છે, પણ 'હું ટળે હરિ ઢૂંકડા, તે ટળાય દાસે રે...' આપણે તો ભગવાનના દાસ છીએ. 'જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ-વિલાસ ભાવે' આ દેહભાવ ટાળવા માટે કથાવાર્તા-કીર્તન-ભક્તિ છે. કથાવાર્તા સાંભળીશું તો ભગવાનને વિષે ભક્તિભાવ થશે, વૈરાગ્ય સમજાશે. આ બધી ઉપાધિ તનની છે. કોઈ બોલી જાય, કહી જાય, તો દુઃખ લાગે કે મને કહ્યું ? પણ 'માન-અપમાન મેં એકતા, સુખદુઃખ મેં સમભાવ; અહીં કે સુખ અલ્પ હૈ, નહિ સ્વર્ગ લુચાવ - તનકી ઉપાધિ તજે...' જ્યાં લગી દેહને 'હું' કરી માનશે ત્યાં સુધી દુઃખ થશે, પણ આ દેહ તે હું નથી, હું તો આત્મા છું, અક્ષર છું. જો આ જ્ઞાન થાય તો પછી કોઈ ગમે તેમ બોલે, તો વાંધો આવે નહીં. દેહના ભાવને લીધે અંદરોઅંદર અભાવ ને મારામારી થાય છે, પણ આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય પછી વાંધો ન આવે.
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે, 'ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, ભારતાદિક ઇતિહાસ એ સર્વ શાસ્ત્રોમાં એ જ વાત છે કે ભગવાન અને ભગવાનના સંત જ કલ્યાણકારી છે. એવા બ્રહ્મનિષ્ઠ ને શ્રોત્રિય સંતના સમાગમથી, એમનાં દર્શનથી આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ને સુખિયા થવાય છે. જેને જેને ભગવાન અને ભગવાનના સંતનો સંબંધ થયો એનાં કલ્યાણ થયાં છે. ભગવાન ભજવામાં મુશ્કેલીઓ, દુઃખ આવે, પણ આત્માના ભાવમાં સુખ-દુઃખ કાંઈ છે નહીં. એવી સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખીને જો સત્સંગ કરીએ તો સુખ આવે.
યોગીજી મહારાજે ઘરસભાની વાત કરી. વચનામૃત, સ્વામીની વાતો, ગીતા, ભાગવત જેવા ગ્રંથ દરરોજ ઘરમાં વંચાય તો ઘરના અંદરોઅંદરના કેટલાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. યોગીજી મહારાજને યુવાનો પર અનહદ પ્રેમ હતો. એમણે યુવાનોને મોજશોખ, વ્યસન-દૂષણમાંથી બહાર કાઢી સત્સંગના માર્ગે વાળ્યા તો આજે હજારો યુવાનો સત્સંગી થયા છે, કેટલાય સાધુ થયા છે. દુનિયામાં બધે સત્સંગ થાય, કોઈ જીવ દુખિયો ન રહે - એ યોગીજી મહારાજનો સંકલ્પ હતો.
અહીં આપ બધા ખૂબ પ્રેમ-ઉત્સાહથી દર્શનલાભ લો છો. દરેકના જીવનમાં સુખ-શાંતિ રહે. દરેકને પોતાનાં કાર્યોમાં સફળતા મળે. ભગવાનની વાત, મંદિરની વાત, શાસ્ત્રોની વાત સાચી છે. એમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખીને એ માર્ગે ચાલવાનું બળ મળે અને ભગવાન સર્વને સુખિયા કરે એ જ પ્રાર્થના.'
|
|