Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રવિસત્સંગ સભા

તા. ૨૦-૬-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિસત્સંગ સભા સૌ કોઈ માટે અણમોલ સંભારણું બની રહી. સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી સભામાં બાળમંડળના બાળકોએ બાળભક્ત પ્રહ્‌લાદના કથાનકને વર્ણવતી પ્રેરક નૃત્યનાટિકા 'ભક્ત પ્રહ્‌લાદ' રજૂ કરી. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ વિવિધ મંડળોમાંથી આવેલા હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. ત્યારબાદ 'હરિ તોરે ચરનન બલિહારી જાઉં' એ ભક્તિ નૃત્ય રજૂ કરી બાળકોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''બાળકોએ ભક્ત પ્રહ્‌લાદની નૃત્યનાટિકા સુંદર રીતે રજૂ કરી. પ્રહ્‌લાદની ભક્તિ અને ભગવાનને રાજી કર્યાની વાત સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ જગતનાં મોહ-મમતામાં આ વાત ભુલાઈ જાય છે. પણ જ્યારે સંત મળે ને ભગવાનની વાતો, ભક્તોનાં આખ્યાન સાંભળીએ ત્યારે ભક્તિ માર્ગે વૃત્તિ પાછી વળે છે.
આત્માના કલ્યાણ માટે ભગવાને આ મનુષ્યદેહ આપ્યો છે. જગતમાં સંસાર-વહેવાર કરવાના, પણ ભગવાનને ભૂલીને નહીં. જેમ વેપાર કરવા જતાં બીજે રસ્તે ચઢી જવાય તો વેપારમાં ખોટ જાય એમ દુનિયાનાં સુખ ભોગવવાના પ્રયત્નમાં ભગવાન ભુલાઈ જાય તો ફાયદો ન થાય. જગતનો મોહ નાશવંત છે, માટે આ દેહે ભક્તિ કરી ભગવાનને રાજી કરવા.
યોગીજી મહારાજ કહેતા કે મોહનો ક્ષય એનું નામ મોક્ષ. 'મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર...' જન્મ્યા ત્યારે કંઈ સાથે લાવ્યા નથી અને જઈશું ત્યારે કંઈ સાથે લઈ જવાના નથી. આ જ્ઞાન થાય પછી વાંધો ન આવે. આત્મકલ્યાણ માટે જેટલું કર્યું હશે એટલું સાથે આવશે. ભક્તિ કરી મોક્ષ મેળવવા માટે ભગવાને આ શરીર આપ્યું છે, પણ એ ન કર્યું તો બધું નકામું. 'ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઈ જળમાં.'
આપણી દરેક ક્રિયામાં ભગવાનને યાદ રાખવા. દરરોજ ભગવાનની પૂજા કરવી, સવાર-સાંજ મંદિરે જવું, સંત સમાગમ કરવો. પહેલાના વખતમાં દાદા-દાદી ઘરમાં બાળકોને રામાયણ, મહાભારત, ભગવાનની, ભગવાનના ભક્તની, સત્સંગની વાતો કરતા જેથી જીવનના અંત સુધી એ સંસ્કાર ટકી રહે. આજે ઘરમાંય સંસ્કાર ન મળે ને બહાર પણ સંસ્કાર ન મળે. જગતની વાતો જીવમાં પેસી જાય તો જીવ ક્યાંથી સુખિયો રહે? દુઃખ, દુઃખ ને દુઃખ. માટે અંતદૃષ્ટિ કરવી કે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે? સાચું સુખ ભગવાનનું છે. ભક્તિ કરી આત્માને મુક્તિ મળે એ કાર્ય મુખ્ય કરવાનું છે. ભગવાનને અર્થે, ધર્મને અર્થે, સમાજને અર્થે કરશો એટલું કામમાં આવશે.
અજ્ઞાનને લઈને દુઃખ છે. અજ્ઞાન શું? આ દેહ 'હું' મનાઈ ગયો છે એ. આ બધું મારું છે એ મોહ-મમતાને લઈને માણસ દુઃખી થાય છે. દેહ પડ્યા પછી કશું જ સાથે આવવાનું નથી. તો પછી દુઃખ શા માટે? પરીક્ષિત રાજાએ કુટુંબ-પરિવાર-સમૃદ્ધિનો ત્યાગ કરી, આત્મારૂપ થઈ શુકદેવજીના મુખેથી ભાગવતની કથા સાંભળી તો દેહભાવ ટળી ગયો ને મોક્ષ થયો. ભગવાનની મૂર્તિમાં, કથામાં અખંડ ચિત્ત રહે તો દેહભાવ ટળી જાય, સત્પુરુષ મળે તો જગતની આસક્તિ ટળી જાય. 'સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી'
આત્માના કલ્યાણની રીત સાચા સંત શીખવે છે. એવા  બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સંત થકી આત્મા-પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય ને એ જ્ઞાને કરી ભગવાનની ભક્તિ કરીએ તો સુખ, સુખ ને સુખ.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |