Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઉદ્યોગનગરી કલોલમાં સ્વામીશ્રીનો અમૃતલાભ

ઉત્તર ગુજરાતની ઉદ્યોગ નગરી કલોલ ખાતે તા. ૪-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ કલોલ અને આસપાસનાં ગામોના સત્સંગી ભક્તસમુદાયને દિવ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ આપીને કૃતાર્થ કર્યા હતા. મહેસાણાથી વિદાય લઈને સવારે ૧૦-૪૫ વાગે સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે બોરીસણા ચાર રસ્તા ઉપર આવેલા 'માણેક પાર્ટીપ્લોટ'માં સ્વામીશ્રીના આગમન નિમિત્તે જાહેર સત્કાર સભા યોજવામાં આવી હતી. સફેદ પાર્શ્વભૂમાં શ્વેત ગવાક્ષોમાં શોભતા ઠાકોરજીનાં દર્શન સુંદર લાગી રહ્યાં હતાં. કૃષ્ણપ્રિય સ્વામીનાં કીર્તનગાન અને વિવેકસાગર સ્વામીના સંબોધન પછી સત્કારવિધિ થયો. ધારાસભ્ય ડૉ. અતુલભાઈ પટેલ, ડી.વાય.એસ.પી. જોષી તથા પટેલ સાહેબ, મામલતદાર પઢિયાર, નાયબ કલેક્ટર જી.પી. બ્રહ્મભટ્ટ, પ્રમુખ ડેકોરેશન પરિવારના સભ્યો દીપેનભાઈ, જયેશભાઈ તથા જગદીશભાઈ તેમજ મુખ્ય યજમાન હસમુખભાઈ, નયનભાઈ રમેશભાઈ તથા વિકાસભાઈ રમેશભાઈ પટેલ, પ્રહ્‌લાદભાઈ ભુલાભાઈ પટેલ, અશોકભાઈ પટેલ (રાજપુર), હસમુખભાઈ બાબુલાલ પટેલ, જિતેન્દ્રભાઈ ગિરધરદાસ પટેલ, શૈલેષભાઈ દશરથભાઈ (કડી), તિમિરભાઈ રમેશભાઈ પટેલ, કનુભાઈ જોઈતારામ પટેલ (જુ લાસણ), ઈશ્વરદાસ ભોઈદાસ પટેલ, જ્યોતીન્દ્રભાઈ બારોટ, મહેન્દ્રભાઈ કાશીરામ પટેલ, નરેશભાઈ પ્રહ્‌લાદદાસ પટેલ, નારણભાઈ ભગવાનદાસ (ચારસોડિયા), રોહિતભાઈ મણીલાલ પટેલ (કાંઠા), માણેકલાલ શિવદાસ પટેલ, ભોળાભાઈ નાનદાસ પટેલ (વડુ), બાબુભાઈ પ્રહ્‌લાદદાસ વતી હર્ષિલભાઈ પટેલ, બાબુભાઈ (કરજીસણ), પીયૂષભાઈ અમૃતભાઈ (સઈજ), દીક્ષિતભાઈ નટુભાઈ (જોરણંગ), નટુભાઈ કે. પટેલ વતી જિતેન્દ્રભાઈ પટેલ વગેરે હરિભક્તોએ તથા ભાવિકોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીને વધાવ્યા. છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ''મંદિરોથી આપણો વિકાસ થાય છે. લોકોને શંકા થાય કે મંદિરોની શી જરૂર છે ? આવી સભાઓની શું જરૂર છે ? એમાં સમાજનું કે રાષ્ટ્રનું કાર્ય થતું નથી, પણ જ્યારે આપણી સંસ્કૃતિની વાત કરીએ ત્યારે મંદિરોની જરૂર છે જ. કારણ કે એ આધ્યાત્મિક વિષય છે. ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સાથે સાથે સંતોને પણ ગામોગામ ફરવાની આજ્ઞા કરી. લોકોને વ્યસનો મુકાવી સદાચારી કરવા. અત્યારે વ્યસનો-દારૂ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ ખટારા ને ખટારા દારૂ પીવાય છે. જીવમાંથી દારૂ-ચોરી-વ્યભિચાર-અનીતિ કાઢવી એ ધર્મનું કામ છે, સંતોનું કાર્ય છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મ-પરિવર્તનની વાત કરી નથી, પણ જીવન-પરિવર્તન કરવાની વાત કરી છે - આસુરીભાવ દૂર કરો. આ સમાજસેવા જ કહેવાય કે બીજુ _ કાંઈ? જે કાયદાથી નથી થતું, તે ધર્મથી થાય છે. શાસ્ïત્રોના નિયમો સાચા છે. એમાં ફેર કરે છે એ માણસની ભૂલ છે. એ તો રાજકારણમાં અને સમાજમાં પણ છે. બે-પાંચ ખરાબ થાય એટલે બધા ખોટા ન થઈ ગયા. ડૉક્ટરોમાં, સ્કુલ-કોલેજ, પોલીસખાતામાં, ન્યાયતંત્રમાં બે-પાંચ એવા હોય એનાથી બધા ખોટા ન કહેવાય. એને લીધે સમાજનું કાર્ય અટકવું ન જોઈએ. એને સુધારો. આપણે પહેલાં સુધરીશું તો બીજા સુધરશે, એટલે જેમ સ્કુલ-કોલેજ, પોલીસથી સમાજનું કામ થાય છે, એમ આ મંદિરોથી અને સંતોથી પણ સમાજની સેવા થાય છે. ગામોગામ સંતો ફરે છે તો કેટલાંયના દારૂ-માંસ-વ્યભિચાર છૂટી ગયા છે. કેટલાય આદિવાસી માણસો દારૂ-ચોરી-લૂંટફાટ કરતા, પણ સત્સંગની વાતોથી સંતોએ સુધાર્યા. માણસને માણસ કરવાની જરૂર છે. મંદિરોથી, આપણા ગ્રંથો વાંચવાથી, સંતોના સત્સંગથી માણસ થવાય છે.''
૧૧-૪૫ વાગ્યે સભાની સમાપ્તિ બાદ સ્વામીશ્રી, લગભગ એક વર્ષ પહેલાં અહીં સ્થપાયેલાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા. સુંદર પરિસરમાં મુખ્ય પ્રવેશદ્વારની પાસે ઢોલ અને નગારા વડે સ્વામીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. મંદિરના કલાત્મક દરવાજાથી પગથિયા સુધી પુષ્પની સુંદર બિછાત મહિલા મંડળે તૈયાર કરી હતી. બંને બાજુ એ દેવભૂષામાં સજ્જ બાળકો ઊભા હતા. ઠાકોરજી સમક્ષ પધારીને સ્વામીશ્રીએ શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત તમામ મૂર્તિઓનાં પૂજન-આરતી કર્યાં અને આ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા હરિભક્તોને આશીર્વાદ આપ્યા.
સાંજે ૫-૦૦ વાગ્યે સ્વામીશ્રી વલ્લભવિદ્યાનગર જવા વિદાય લઈ રહ્યા હતા ત્યાર ચોકમાં લગભગ એક કલાકથી સત્સંગસભા ચાલુ હતી. અહીં પધારીને આસનની પાછળ ઊભા રહીને હાથમાં માઇક પકડીને સ્વામીશ્રીએ સૌને સ્મૃતિલાભ આપતાં કહ્યું : ''પેંગડે પગ ને બ્રહ્મ ઉપદેશ' એમ અમારે પણ ઘોડે ચડીને આવ્યા અને ઘોડે ચડીને જઈએ છીએ. આપ બધાની નિષ્ઠા, સમજણ દૃઢ છે. મંદિર પણ ભવ્ય કર્યું છે. એ બધું આપ બધાના સાથ સહકારથી થયું છે. લોયાના ત્રીજા જેવી આપની નિષ્ઠા છે. આપણે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં રહેવું છે. જીવમાં ભગવાન અને સંત બેઠા છે તો એમાં ફેરફાર ન થાય એ માટે જાણપણું રાખવું. જીવમાં ભગવાન અને સંત પ્રધાન થાય તો જીવનમાં શાંતિ રહે. આવો ને આવો ઉત્સાહ ને પ્રેમ કાયમ રહે, સંપ, સુહૃદભાવ ને એકતા કાયમ રહે તો સત્સંગનો વિકાસ થાય. સમાજ અને દેશનો વિકાસ પણ સંપ, સુહૃદભાવ એકતાથી થાય. સંપ હોય તો બોલ્યું ચાલ્યું માફ થઈ જાય. જૈનો કહે છે એમ મચ્છમ્‌ દોકડા (મિચ્છામી દુક્કડમ્‌). આપણે સત્સંગી છીએ, મહારાજ અને સ્વામીના સંબંધવાળા છીએ તો સ્વભાવ અને દોષો મૂકી દેવા જોઈએ અને મન નોંખાં ન રહેવા જોઈએ તો એ બાબતમાં સૌ ધ્યાન રાખજો. સૌને આશીર્વાદ છે.''
બે જ મિનિટમાં અદ્‌ભુત દિશા આપીને સ્વામીશ્રી વલ્લભવિદ્યાનગર પધાર્યા હતા.