Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વલ્લભવિદ્યાનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના ચતુર્થ દશાબ્દી મહોત્સવ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ દ્વારા સન્માન સમારોહ

યોગીજી મહારાજના સંકલ્પે ૨૦-૦૬-૧૯૬૫ના દિવસે પ્રારંભાયેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય, પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં છેલ્લા ચાર ચાર દાયકાથી સંસ્કાર, શિક્ષણ અને સદાચારના મુદ્રાલેખ સાથે પોતાની આગવી ભાત ઊભી કરી રહ્યું છે. આ એવું છાત્રાલય છે કે જેના પ્રેરણા-પીયૂષ પીને સમાજમાં અનેક વિદ્યાર્થીઓ ૪૦-૪૦ વર્ષથી પોતાનું ઉજ્જ્વળ દાયિત્વ નિભાવતા રહ્યા છે. આ છાત્રાલયે ચાર ચાર દાયકાઓની લાંબી મજલ કાપીને અનેકનાં જીવન ઊજળાં કર્યાં છે. જે વિદ્યાર્થીઓનું અહીં જીવનઘડતર થયું હતું એ સૌના અંતરમાં લાગણી હતી કે છાત્રાલયના ચતુર્થ દશાબ્દી મહોત્સવને ધામધૂમથી ઊજવવો. આજે એ અવસર આવી ગયો હતો. તા. ૦૪-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી ઉત્સવમાં દિવ્ય રંગ પૂરવા માટે પધારી ચૂક્યા હતા.
તા. ૫-૩-૨૦૦૫ના રોજ સવારે ઉદ્‌ઘાટન સભામાં વિવિધ કાર્યક્રમો માણ્યા બાદ સાંજે વલ્લભવિદ્યાનગરની માતૃસંસ્થા સમાન ચારુતર વિદ્યામંડળે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના ચતુર્થ દશાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સમારંભ યોજ્યો હતો. ઢળતી સંધ્યાના ગુલાબી વાતાવરણમાં વિદ્યાનગરનું શાસ્ત્રીમેદાન અલૌકિક ઉત્સાહથી સજ્જ થઈ ગયું હતું. ચારુતર વિદ્યામંડળની વિદ્યાનગરની શિક્ષણ સંસ્થામાંથી અભ્યાસ કરીને જે વિદ્યાર્થીઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શુભ સંકલ્પ અનુસાર બ્રહ્મવિદ્યાની કૉલેજમાં એટલે કે આધ્યાત્મિક માર્ગના યાત્રિક બન્યા હતા એવા સંતોનો શાનદાર સન્માન સમારોહ યોજાયો હતો. આણંદ, વિદ્યાનગર તેમજ આસપાસનાં ગામડાંઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો શાસ્ત્રીમેદાનમાં આવી પહોંચ્યા હતા. મયૂર-પીંછની પિછવાઈ સાથે શોભતા સભામંચના મધ્યમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની ચિત્રપ્રતિમા અને સાથે સાથે વિદ્યાનગર કેન્દ્રના સ્વપ્નદ્રષ્ટા શિલ્પી ભાઈકાકા, સરદાર વલ્લભભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના મહારથી ભીખાભાઈ તથા એચ.એમ. પટેલની છબીઓ પણ ગોઠવવામાં આવી હતી. સભામંચની મધ્યમાં સ્વામીશ્રી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી વગેરે સંતો, સી.એલ. પટેલ (અધ્યક્ષ, ચારુતર વિદ્યામંડળ, વિદ્યાનગર) તથા ડૉ. એચ. કે. પટેલ(માનાર્હમંત્રી) તથા બી.એમ. ઠાકર(માનાર્હમંત્રી) તથા વી.એમ. પટેલ (માનાર્હમંત્રી)ની બેઠકો હતી. પ્રારંભમાં 'સંત સન્માન સમારોહ'ના પ્રસંગને અનુલક્ષીને ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. વિદ્યાધામ-વિદ્યાનગરનું મહિમા વર્ણવતું એક ગીત ભરતદાન ગઢવી તથા એમના સાથીદારોએ રજૂ કર્યું. અડાસના બાલ-કિશોર મંડળે સ્વાગત-નૃત્ય પ્રસ્તુત કર્યું. ચારુતર વિદ્યામંડળ-વિદ્યાનગરના અધ્યક્ષ સી.એલ. પટેલે ભાવોર્મિ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'શાસ્ત્રીજી મહારાજના સંકલ્પે અને આશીર્વાદથી આ વિદ્યાનગર થયું. અહીં શાસ્ત્રીજી મહારાજે પગલાં પાડીને આશીર્વાદ આપેલા અને યોગીજી મહારાજે છાત્રાલય કરીને બ્રહ્મવિદ્યાની કૉલેજ સ્થાપી. આ કૉલેજે સંસ્થાને સંતો આપ્યા. એ સંતોનું આજે સન્માન કરી રહ્યા છીએ. જ્યારે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ, ત્યારે મને બીક હતી કે આ જવાબદારી સંભાળી શકીશ કે કેમ ? ઘણા કહેતા પણ ખરા કે છ મહિનામાં તો ભાગી જશે, પણ સ્વામીશ્રીના આશીર્વાદ મારી સાથે હતા. સ્વામીશ્રીએ કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ તમારી સાથે છે ને એમના આ આશીર્વાદથી જ મારું કાર્ય ચાલી રહ્યું છે.'
ત્યારબાદ ચારુતર વિદ્યામંડળ-વિદ્યાનગરની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરીને સ્વામીશ્રીનાં શ્રીચરણોમાં જીવન સમર્પિત કરનાર યુવાન સંતો આદર્શજીવન સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી, આત્મતૃપ્ત સ્વામી સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ પ્રસ્તુત થયો. સામાન્ય જનતા તરફથી અવારનવાર પૂછાતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પ્રશ્નોત્તરી દ્વારા સૌને મળ્યું. આ પ્રસંગે વરસોથી સ્વામીશ્રીની આજ્ઞા મુજબ વિદ્યાનગર છાત્રાલયમાં સેવા આપતા સાધુજીવન સ્વામીનું સભામંચ પર સૌએ હર્ષભેર અભિવાદન કર્યું. ત્યારબાદ ૭૨ સંતોના સ્વાગતનો કાર્યક્રમ શરૂ થયો.
અંતે, સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં જણાવ્યું : ''ભાઈકાકાએ વિદ્યાનગરમાં શાસ્ત્રીજી મહારાજને પધરાવ્યા હતા. સ્વામીની તબિયત એવી એટલે ડમણિયામાં બેસીને પુષ્પ નાખતા જાય ને ધૂન કરતા જાય. આ ભૂમિ પ્રાસાદિક બની ગઈ. અહીં આવનારને તીર્થનો અને વિદ્યાનો પણ લાભ મળે. આ વિદ્યાનું તીર્થ છે. અહીં સંતોએ પણ પૂર્વે અભ્યાસ કર્યો ને હવે સેવા આપે છે. ધર્મની ફરજ બજાવે છે, પણ સાથે સાથે સમાજસેવા કરે છે. ગામોગામ ફરી લોકોનાં વ્યસનો-દૂષણો કાઢી સાચી સલાહ આપે છે એ મોટી સેવા છે. સાધુતાની પણ એક ડિગ્રી છે. નિયમ-ધર્મમાં રહી જગતનું કલ્યાણ કરવાનું. નાનામાં નાના માણસની પણ સેવા. ચારિત્ર્ય એ મોટી વાત છે, એ મોટામાં મોટી સંપત્તિ છે. આ સંપત્તિનો વધારેમાં વધારે પ્રચાર થાય તો લોકોને સુખ-શાંતિ મળે. જોગી મહારાજનો એવો વિચાર હતો, એટલે બાલમંડળ, કિશોર, યુવકમંડળ એ બધા મંડળો સ્થાપ્યાં. અહીં વિદ્યાધામ ચાલી રહ્યું છે, એમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદ છે અને સરદાર સાહેબની પણ ઇચ્છા કે ચરોતરમાં સારામાં સારી યુનિવર્સિટી થવી જોઈએ, એટલે ભાઈકાકાએ બીડું ઝ ડપ્યું. ને અત્યારે સી.એલ. સાહેબને પણ સારા વિચારો આવે છે. આધ્યાત્મિકતાનું જેટલું બળ રાખી પ્રસારણ કરીશું, એટલી શાંતિ થશે. ભગવાન ને સંત જીવનમાં દૃઢ થશે, એમનો મહિમા જેટલો વધારીશું એટલી શાંતિ થશે અને જય જયકાર થશે.''
અંતે ડૉ. એચ. કે પટેલે આભારવિધિ કર્યો.
તા. ૬-૩-૨૦૦૫ના રોજ સવારે અને સાંજે છાત્રાલયના પરિસરમાં પ્રાસંગિક કાર્યક્રમો યોજાયા. સંધ્યા સમારોહમાં વિવિધ કાર્યક્રમો બાદ સાધુજીવન સ્વામીએ આભારપ્રવચન કર્યું. ત્યારબાદ સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''જોગી મહારાજે કહ્યું હતું, 'ચૈતન્ય મંદિર કરવાં છે.' એમાંથી આપના જેવા યુવકો, સંતો થયા એ જોગી મહારાજનું બહુ મોટું કાર્ય છે. આ સૌ લાખોને સન્માર્ગે દોરશે, ખાધું-પીધું ને રાજ કર્યું, પણ આત્માનાં કલ્યાણની વાત થઈ નહિ, ઘાંચીનો બળદ ગમે એટલો ચાલે તોય ત્યાંનો ત્યાં, એમ આ દેહે કુટુંબ-પરિવાર, સમાજ-દેશનું, આત્મકલ્યાણનું કાંઈ કર્યું જ નથી, એ ઠેરનો ઠેર છે.''
છેલ્લે સમગ્ર કાર્યક્રમના આયોજક ને વ્યવસ્થાપક યજ્ઞપ્રિય સ્વામીએ આભારવિધિ કર્યો. ૮-૨૫ વાગ્યે સભાની સમાપ્તિ થઈ, આ સાથે 'ચતુર્થ દશાબ્દી મહોત્સવ'ની પણ સમાપ્તિ થઈ. આ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો. યજ્ઞપ્રિય સ્વામીની સાથે સાધુજીવન સ્વામી, વેદપુરુષ સ્વામી, જ્ઞાનરત્ન સ્વામી, હરિવલ્લભ સ્વામી, યોગનિધિ સ્વામી તથા આત્મદર્શન સ્વામીએ પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.