|
સ્વામીશ્રીના હસ્તે ગોકુળગ્રામ યોજના અંતર્ગત લોકાર્પણવિધિ
ગોકુળગ્રામ યોજના અંતર્ગત ગ્રામીણ વિકાસનો એક નવતર પ્રયોગ ગુજરાતના ગામડાંઓમાં થઈ રહ્યો છે. તા. ૨-૪-૨૦૦૫ના રોજ બરવાળા તાલુકાના સારંગપુર સહિત ૧૦ જેટલાં ગામોમાં રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા જિલ્લાગ્રામ-વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામસમાજવાડી તથા પંચાયતઘરનો લોકાર્પણ સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી પી.કે. લહેરી, સાંસદ શ્રી રતિલાલ વર્મા, રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટના સંયોજક શ્રી નાનકભાઈ ભટ્ટ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, ધારાસભ્ય શ્રી દિલુભા તથા પૂર્વ સચિવ શ્રી એ. કે. નિગમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પી. કે. લહેરીએ આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિઓના સ્વાનુભવની વાત કરતાં જણાવ્યું હતું કે, 'બી.એ.પી.એસ.ની કાર્યપદ્ધત્તિ હંમેશા સમાજના લાભાર્થે રહેલી છે. લોકોના લાભ માટેની પ્રતિબદ્ધતા માટેનું વાતાવરણ આ સંસ્થામાં જોઈ શકાય છે. ટાઢ, તડકો કે વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ મુશ્કેલીમાં આવેલા સમાજની સેવા કરવા માટે આ સંસ્થાના સંતો-સાધુઓ દોડી જાય છે અને ખૂબ જ પ્રયત્ન કરે છે.' આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ લિખિત 'વિકાસની ખોજ' નામનું પુસ્તક સ્વામીશ્રીના કરકમલો વડે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી રતિલાલ વર્મા અને મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહનાં પ્રાસંગિક વકતવ્યો બાદ સ્વામીશ્રીએ સારંગપુર, ચાચરિયા, ખાંભડા, બેલા, ભીમનાથ, રામપરા, નવા નાવડા, ચોકડી, ટીંબડા અને વૈયા ગામમાં તૈયાર થયેલાં પંચાયતઘર, આંગણવાડી તથા ગ્રામસમાજવાડીની ચાવીઓ દરેક ગામના સરપંચને અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત દરેક મહાનુભાવનું શાલ ઓઢાડીને સ્વામીશ્રીએ સન્માન કર્યું હતું. સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
તા. ૩-૪-૨૦૦૫ના અંગ્રેજી તારીખ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મદિવસ સહજતાથી ઊજવાઈ ગયો હતો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી પોતાના ઉતારા 'સર્વસ્વ'માં પધાર્યા ત્યારે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. હવેલીની ઓશરીની છજા અને લોનની વચ્ચે એક હિંડોળો બાંધવામાં આવ્યો હતો.
ધારીના એક હરિભક્તે ખૂબ જ ભાવથી ગૂંથેલા આ હિંડોળા પર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજને સ્વામીશ્રીએ ઝુલાવ્યા હતા.
સવારે સ્વામીશ્રી સભામાં પધાર્યા એ પહેલા બોટાદ મંદિરના અક્ષરપુરુષોત્તમ મહારાજ, પાટણા મંદિરના હનુમાનજી-ગણપતિજી તથા સિકંદરાબાદ મંદિરના મુખ્ય દ્વારના ગવાક્ષમાં પ્રતિષ્ઠિત થનાર અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પ્રતિષ્ઠા પૂર્વ-પૂજન કરી સ્વામીશ્રીએ આરતી ઉતારી હતી. બોટાદના યુવક-યુવતીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિની આર્થિક સેવા કરી હતી.
આજે બોટાદ મંડળ દ્વારા હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક સમારોહમાં પ્રેરણાની મૂર્તિ દુબળી ભટ્ટનો પ્રાસંગિક સંવાદ રજૂ થયો. આજે સ્વામીશ્રીના સ્વાસ્થ્ય નિમિત્તે ૮૫૦૦ પ્રદક્ષિણા ફરીને યુવતીમંડળે વિશેષ ભક્તિભાવ અર્પણ કર્યો હતો. અગ્રણી હરિભક્તો તથા સંતોએ સ્વામીશ્રીને વિïïવિધ પ્રકારના હાર અર્પણ કર્યા હતા. સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા હતા.
આશીર્વચન બાદ ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ શરૂ થયો. ષોડશોપચાર પૂજનના મુખ્ય યજમાનોઃ
ડૉ.કે. કે. ધાનાણી, અરજણભાઈ કાનજીભાઈ, રવજીભાઈ, કાનજીભાઈ, બોટાદ યુવક-યુવતીમંડળ, સવજીભાઈ જીવરાજભાઈ, રમેશભાઈ સવજીભાઈ, લવજીભાઈ ગોપાલભાઈ, મૂળજીભાઈ ગોપાલભાઈ, સવજીભાઈ ગોપાળભાઈ, ભગવાનભાઈ ગોળકિયા, બાબુભાઈ કળથિયા, ગોવિંદભાઈ ભાંગરાડિયા, શૈલેષભાઈ કળથિયા, વલ્લભભાઈ કળથિયા, પ્રેમજીભાઈ કળથિયા, જગદીશભાઈ લાખેણી, ધીરુભાઈ વિરાણી, રમેશભાઈ પટેલ, અરવિંદભાઈ રાણપરી, જીવણભાઈ (સમઢિયાળા), હરેશભાઈ, રસિકભાઈ (ઢીંકવાળી).
તેમજ અન્ય ૩૫૦ હરિભક્તોએ વારાફરતી આવીને ઠાકોરજીનું ષોડશોપચાર પૂજન કરી વિશિષ્ટ ભક્તિભાવ અદા કર્યો હતો.
|
|