|
આણંદમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં મંદિર અને બી.એ.પી.એસ છાત્રાલય - વિદ્યાનગરનો પાટોત્સવ
આણંદમાં તા. ૭-૧૨-૦૬નો દિવસ ત્રણ શુભ પ્રસંગ લઈને ઊગ્યો હતોઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, આણંદનો પાટોત્સવ, બી.એ.પી.એસ. છાત્રાલય, વિદ્યાનગરનો પાટોત્સવ અને સ્વામીશ્રીનો અંગ્રેજી તારીખ પ્રમાણે જન્મદિન. આણંદવાસીઓ અને આજુ બાજુ નાં ગામોના હરિભક્તો સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં પાટોત્સવમાં ભાગ લેવા ઉત્સાહી હતા. વહેલી સવારે મંગળા આરતી સાથે જ આણંદના બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવવિધિ આરંભાયો હતો. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ પાટોત્સવની આરતી ઉતારી હતી. ત્રણેય ખંડમાં આરતી ઉતાર્યા પછી મધ્ય ખંડમાં પધારીને સ્વામીશ્રીએ પુષ્પ-અંજલિ અર્પણ કરી. પાટોત્સવ નિમિત્તે મંદિરના ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
તેવી જ રીતે સંધ્યાસભા પૂર્વે વલ્લભવિદ્યાનગર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો પાટોત્સવ યોજાયો હતો. અહીં પણ ઠાકોરજી સમક્ષ વિશિષ્ટ રીતે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ પાટોત્સવને લગતાં સૂત્રોનું નિદર્શન વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીએ ઠાકોરજીની આરતી ઉતારી. સાધુજીવન સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી, ભગવત્ચરણસ્વામી અને ભાગ્યસેતુ સ્વામીએ પણ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
આ પ્રસંગે અક્ષરફાર્મ, આણંદમાં યોજાયેલી ઉત્સવસભામાં સ્વામીશ્રી પધાર્યા. આણંદ, વિદ્યાનગર અને એની આજુબાજુ નાં ગામોમાંથી પંદર હજાર જેટલા હરિભક્તો સભામાં ઊમટ્યા હતા. વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. ત્યારપછી આણંદ અને નડિયાદના યુવકો, બાળકોએ 'રૂડો અવસરિયો આંગણિયે આવ્યો રે' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. ત્યારપછી વડિલ સંતો અને ખેડા જિલ્લાના તમામ સંતોએ સ્વામીશ્રીને વિવિધ પ્રકારના હાર અર્પણ કરી ગુરુહરિને ભાવવંદના કરી હતી. આ પાટોત્સવના મુખ્ય યજમાન લંડન સ્થિત જીતુભાઈ પટેલ તથા સત્સંગ પ્રવૃત્તિના સંયોજક અરુણભાઈ પટેલે હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા. આ સભામાં ખેડા જિલ્લાના કલેક્ટર ઝાલાવાડિયા સાહેબ, ડી.એસ.પી. ચેબલિયા સાહેબ, ડિસ્ટ્રિક્ટ જજ મયૂરભાઈ પરીખ દર્શને પધાર્યા હતા.
આ પ્રસંગે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'ભગવાન માટેનું જે કંઈકાર્ય છે એ નિર્ગુણ બની જાય છે, કારણ કે ભગવાન નિર્ગુણ છે. એમાં માયાના કોઈ ગુણ નથી, અમાયિક છે. ભગવાન બોલતા હોય, ચાલતા હોય, હરતા હોય, ફરતા હોય ગમે તે કાર્યકરતા હોય એમાં દિવ્યતા જ હોય છે. આનંદસ્વરૂપ છે- એમનાં દર્શન કરવાથી, વાત સાંભળવાથી, એમની પાસે બેસી રહેવાથી, આનંદ જ થાય ને સર્વ સુખના ધામ ભગવાન છે. એને લઈને જ આપણે ઉત્સવો ઊજવીએ છીએ. એમાંથી જીવને શાંતિથાય છે. વિજ્ઞાને શોધખોળ કરી તો આપણને બધી સુવિધા પ્રાપ્ત થઈ. પણ એ વિકાસની સાથે અશાંતિ પણ એટલી જ છે. આટલો બધો વિકાસ છે, પણ માણસ ભયમાં જ જીવે છે. પણ ભગવાનનો કાયદો છે કે તમે જીવો અને બીજાને જિવાડો. માણસને સમૃદ્ધિ મળી પણ અંતરમાં અશાંતિ થઈ. તો સાચો વિકાસ કયો? ભગવાનના સંબંધે માણસ સારું જીવતો થાય ને બીજાને પણસારું જીવન જીવવાની પ્રેરણા આપે એ વિકાસ છે. ભગવાનનો મહિમા જેટલો સમજાશે એટલી અંતરે સુખ-શાંતિ થશે. એના માટે મંદિરો કરીએ છીએ, તેમાં સંતો-હરિભક્તો ભજન કરે છે. મંદિરો, શાસ્ત્રો ને સત્પુરુષ એ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો છે. એમાંથી આપણને પ્રેરણા મળે છે.'
સ્વામીશ્રીના આશીર્વચનની સમાપ્તિ પછી ઉપસ્થિત હજારો હરિભક્તોએ સમૂહ આરતી ઉતારી. સૌની અંતરની ઊર્મિઓ દીપ દ્વારા ઝળહળી રહી. આ દૃશ્ય અનુપમ હતું, હૃદયંગમ હતું અને સૌની વૃત્તિ સ્વામીશ્રીમાં એકતાર બને એવું હતું.
આરતીની સમાપ્તિ પછી સભાની પણ સમાપ્તિ થઈ. ઉત્સવસભામાં પધારેલા તમામની ભોજનની વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી.
|
|