|
ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન મહેળાવમાં પ્રમુખસ્વામી મહારાજ
મહેળાવ. ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા આ નાનકડા ગામની એકએક રજકણ છપૈયાની કે ગોકુળની જેમ પવિત્ર છે. કારણ, અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ્યા હતા અને આ ગામ તેમનાં દિવ્ય બાળચરિત્રોનું સાક્ષી બન્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના લાખો હરિભક્તો માટે આસ્થાનું તીર્થ બનેલા મહેળાવ ગામમાં તા. ૧૧-૧૨-૦૬થી તા. ૧૪-૧૨-૦૬ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા હતા. અહીંના અલ્પ પરંતુ દિવ્ય રોકાણ દરમ્યાન પણ સ્વામીશ્રીનો દર્શન-આશીર્વાદ લાભ લેવા માટે ચરોતર પ્રદેશના તથા દૂર દૂરના હરિભક્તો ભક્તિભાવથી ઊમટ્યા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલી સત્સંગસભામાં ભાવિકોએ વિવેકસાગર સ્વામીની પારાયણકથા ઉપરાંત બાળદિનને પણ માણ્યો હતો. સૌ હરિભક્તોને દર્શન અને આશીર્વચન આપી સ્વામીશ્રીએ કૃતાર્થ કર્યા હતા. અહીં સત્સંગસભાઓમાં સ્વામીશ્રીએ વહાવેલી અમૃતવાણીનો આસ્વાદ માણીએ.
ભગવાન અને સંત આપણને તારનારા છે
'માણસ ઘણી વખત મુશ્કેલીઓ આવતાં હતાશ નિરાશ થઈ જાય છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તેને કોઈ માર્ગ દેખાતો નથી, પણ જ્યારે તેને ભગવાન અને સંત મળે છે ત્યારે જીવનમાંથી હતાશા, નિરાશા, મુશ્કેલી ટળે છે. તેમના વગર આ દુનિયામાં આપણને સાચો માર્ગ કોઈ બતાવી શકે એમ નથી. ભગવાન અને ભગવાનના સંતના સાંનિધ્યમાં સાચું સુખ છે. અજ્ઞાનને કારણે લોકો જ્યાં સુખ નથી એમાં સુખ માને અને જેમાં સુખ છે એમાં દુઃખ માને છે.
ભગવાન કોઈને દુઃખી કરતા નથી. પરંતુ હકીકતમાં માણસની આસક્તિઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મમતાને લઈને દુઃખ થાય છે. ભૌતિક સુખમાં સુખ લાગે છે પણ એ સુખમાં દુઃખ છે એ આપણને મનાવું જોઈએ. પૈસાવાળાનેય ચિંતા છે અને પૈસા નથી એનેય ચિંતા છે. આ જગતમાં સુખ મનાયું છે એણે કરીને દુઃખી થઈએ છીએ.
આ દુઃખમાંથી ભગવાન અને સંત તારે. જે ડૂબતો હોય એ બીજાને ડુબાડે પણ જે તરતો હોય એ ડૂબતાને પણ તારી દે. એમ ભગવાન અને સંત આપણને તારનારા છે.'
મર્યાદાની જાળવણી એટલે મનુષ્યજીવનનું જતન
'મનુષ્યજીવનમાં નિયમો અને ભગવાનની આજ્ઞા એ બંધન નથી. ઘણાને થાય કે આપણને કોઈ પણ પ્રકારનું બંધન ન જોઈએ, પરંતુ મનુષ્યને બંધન છે, છે ને છે જ. મર્યાદા વગરનું જીવન એ પશુના જીવન સમાન છે. 'ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ' અર્થાત્ જેના જીવનમાં સદાચાર કે ભગવાનની ભક્તિ નથી એને પશુ કહેવામાં આવે છે. ભલે દેખાય સારો માણસ પણ એની ક્રિયાથી તો એ મૂરખ જ ગણાય છે.
માણસે ઘરમાં કે સમાજમાં મર્યાદાનું પાલન કરવું પડે છે. એ મર્યાદાનું જતન કરીએ છીએ. કુટુંબની ભાવના આ મર્યાદાના કારણે આજે પણ સચવાઈ છે. સંતાનો મા-બાપની આમાન્યા જાળવે, વડીલોનો આદર કરે અને અરસપરસ સ્નેહ રહે. પણ, પરદેશનું વાતાવરણ અને ટી.વી.ના કેટલાક કાર્યક્રમો જોઈ માણસના મનમાં ધીમેધીમે સ્વચ્છંદતા આવી. એટલે પતિ-પત્ની, પુત્ર અને બાપ, મા અને દીકરી એમ સૌને એવું થાય કે તું મને કોણ કહેનાર? અને એ પાછળ અનેક જાતની અનીતિ, દુરાચાર, પાપાચાર બધું કરવા જ મંડ્યા છે. પણ, જરા સમજીએ કે શાસ્ત્રોએ બતાવેલી મર્યાદાની જરૂર છે જ, તો જ તમે માણસ કહેવાવ.
ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. એમણે સમાજની, કુટુંબની, રાજ્યની મર્યાદાઓ સ્થાપી છે એટલે આજે પણ રામરાજની ઉપમા અપાય છે. એ શાસ્ત્રોની મર્યાદાઓ સાચી છે, એ પાળીશું તો સુખ થશે. ભગવાન સ્વામિનારાયણે આચારસંહિતાનો ગ્રંથ શિક્ષાપત્રી આપી છે એ બધા વાંચજો. શિક્ષાપત્રી સર્વજીવહિતાવહ છે.
જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય, જે શાસ્ત્ર તમે વાંચતા હો એને લઈને સૌ સદાચારી છીએે. ભલે સૌની ઉપાસના જુદી જુદી હશે પણ ધર્મની અંદર તો 'ધર્મો જ્ઞેયઃ સદાચારઃ' છે. ભગવાન તો સર્વ જીવનું હિત કરવા આવ્યા છે પણ આપણે એવા છીએ કે આપણે જુદું કરીએ છીએ. ગમે તેવો માણસ હોય પણ ભગવાનને શરણે થાય ને એમના આદેશ પાળે તો એનું કલ્યાણ થવાનું જ છે.
ભગવાન ભજીને જીવનો મોક્ષ કરવો એ જ આપણું કાર્ય છે. એ દૃઢતા રાખીને ભગવાનના માર્ગે ચાલજો, ભગવાન સુખિયા કરશે. ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રોના નિયમોમાં રહીશું તો સુખી, સુખી ને સુખી. એમાં ન રહીએ તો દુઃખી, દુઃખી ને દુઃખી છીએ.'
ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં જીવનની પ્રત્યેક પળ વીતાવતા પ્રમુખસ્વામી મહારાજ મહેળાવ ખાતે ગુરુવર્યના જન્મસ્થાનમાં પધાર્યા ત્યારે દર્શન કરતાં અત્યંત ભાવુક બની ગયા હતા. મહેળાવ તીર્થભૂમિમાં શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાને તેમની સંગેમરમરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મૂર્તિનાં દર્શન કરતાં સ્વામીશ્રી સાષ્ટાંગ દંડવત્-પ્રણામ કરવા લાગ્યા. વધતી ઉંમર સાથેની દૈહિક મુસીબતોને કારણે સ્વામીશ્રી માટે દંડવત્ કરવા એ મુશ્કેલીભર્યું હોવા છતાં તેમણે ગુરુવર્યને ભક્તિભાવપૂર્વક દંડવત્ કર્યા. પછી સ્વામીશ્રી અને સંતોએ સમૂહમાં શાસ્ત્રીજી મહારાજના મહિમાનું કીર્તન 'સ્વામીજી તો મહાપ્રતાપી' ગાયું. ત્યારે સ્વામીશ્રીની આંખોમાં ગુરુહરિ પ્રત્યે એક અદના સેવક તરીકેનો ભાવ ઝળહળી રહ્યો હતો.
જે સંસ્થાના પાયામાં શાસ્ત્રીજી મહારાજનાં તેજ સિંચાયાં હોય અને પુરુષાર્થનાં ચણતર થયાં હોય એ ગુરુહરિના જન્મસ્થાને, એમની જ સર્જેલી બી.એ.પી.એસ. સંસ્થા શતાબ્દી મહોત્સવ સર્વોપરી ઊજવાય તે માટે સ્વામીશ્રીએ ધૂન કરીને પ્રાર્થના કરી હતી. શુભ સંકલ્પ કરતી વખતે શાસ્ત્રીજી મહારાજ જાણે ત્યાં ઉપસ્થિત જ હોય એ રીતે સ્વામીશ્રી અનિમિષ નયને ભકિતભાવથી તાળીઓ પાડતાં પાડતાં ધૂન કરતા જતા હતા.
ત્યારબાદ સ્વામીશ્રી જન્મસ્થાનની નાનકડી ઓરડીને અહોભાવથી નીરખતાં નીરખતાં પ્રત્યેક થાંભલા અને પાટડાને સ્પર્શતાં બહાર પધાર્યા. અહીંથી ચાલતાં ચાલતાં જ સ્વામીશ્રીએ પ્રસાદીભૂત સ્થળોનાં દર્શન અને પ્રદક્ષિણા પણ કર્યાં. અનેક વાર આ સ્થળે પધાર્યા હોવાં છતાં સ્વામીશ્રીની આંખો જાણે પ્રથમવાર દર્શન કરતી હોય તે રીતે થાકતી જ નહોતી.
ગુરુભક્તિની એ દિવ્ય ક્ષણોને સૌએ હૃદયમાં સદાને માટે અંકિત કરી દીધી.
|
|